દિલ્હીની જનતાએ જુઠ, કપટ અને ભ્રષ્ટાચારના શીશમહલને નસ્તેનાબુત કર્યોઃ અમિત શાહ
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત મળી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિણામો પર પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, ગંદી યમુના અને દરેક શેરીમાં ખુલતી દારૂની દુકાનો પ્રત્યે જનતાનો પ્રતિસાદ મળ્યો છે. શાહે કહ્યું કે જનતાએ જૂઠાણા, કપટ અને ભ્રષ્ટાચારના 'શીશમહેલ'નો નાશ કરીને દિલ્હીને આપ-દા મુક્ત બનાવવાનું કામ કર્યું છે.
અમિત શાહે X પર પોસ્ટ કરીને કહ્યું, "દિલ્હીના હૃદયમાં મોદી છે. દિલ્હીએ વચનો તોડનારાઓને એવો પાઠ શીખવ્યો છે કે તે દેશભરના લોકોને ખોટા વચનો આપનારાઓ માટે એક ઉદાહરણ સ્થાપિત કરશે. આ દિલ્હીમાં વિકાસ અને વિશ્વાસના નવા યુગની શરૂઆત છે."
અમિત શાહે કહ્યું કે દિલ્હીની જનતાએ બતાવી દીધું છે કે વારંવાર ખોટા વચનો આપીને જનતાને ગેરમાર્ગે દોરી શકાતી નથી. જનતાએ પોતાના મતોથી ગંદી યમુના, ગંદા પીવાના પાણી, તૂટેલા રસ્તાઓ, છલકાતી ગટરો અને દરેક શેરીમાં ખુલેલી દારૂની દુકાનોનો પ્રતિભાવ આપ્યો છે. દિલ્હીમાં આ ભવ્ય વિજય માટે દિવસ-રાત મહેનત કરનારા તમામ ભાજપના કાર્યકરો, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાને હું અભિનંદન આપું છું.
આ વખતે ભાજપે દિલ્હીમાં 68 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. પાર્ટીએ એનડીએના સાથી પક્ષો માટે બે બેઠકો છોડી હતી. આમાંથી એક બેઠક ચિરાગ પાસવાનની એલજેપી-આર માટે અને એક બેઠક નીતિશ કુમારની પાર્ટી જેડીયુ માટે છોડી દેવામાં આવી હતી.