ડીસાના 8 ગામોના લોકોનું રેતી ભરીને દોડતા વાહનો સામે પ્રતિબંધ મુકવા આંદોલન
- જૂના ડીસા-વાસણા રોડ પર રેતી ભરેલા ટ્રેલરે અડફેટે લેતા એકનું મોત,
- બેફામ દોડતા રેતી ભરેલા વાહનચાલકો સામે કોઈ પગલાં લાવાતા નથી,
- ગ્રામજનો કાલે મંગળવારે કલેકટરને આવેદનપત્ર આપશે
ડીસાઃ બનાસનદીમાં રેતીચોરીના બનાવો સતત બનતા હોય છે. જેમાં ડીસા તાલુકામાં બનાસ નદીના પટમાંથી રેતી ભરીને દોડતા વાહનોને લઈને વિવાદ ઊભો થયો છે. ત્રણ દિવસ પહેલા જૂના ડીસા-વાસણા રોડ પર રેતી ભરેલા ટ્રેલરે સ્કૂટીને અડફેટે લેતાં માળી સમાજના એક યુવકનું મોત નિપજ્યું હતું, આ બનાવને લીધે આજૂબાજુના ગામના લોકો રેતી ભરેલા બેફામ દાડતા વાહનો સામે રોષે ભરાયા છે. રવિવારે જૂનાડીસા, વાસણા, સદરપુર, લુણપુર, સંતોષી, ગોળીયા, દશાનાવા અને જૂના ડીસા સહિત આઠ ગામના ગ્રામજનોએ બેઠક યોજી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી હતી. તેમણે જૂના ડીસાથી વાસણા-સદરપુરના રોડ પર રેતી ભરેલા વાહનોને ન દોડવા દેવાનો નિર્ણય લીધો છે. આગામી 26 તારીખે જિલ્લા કલેક્ટર અને ધારાસભ્યને આવેદનપત્ર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ડીસા તાલુકામાં બનાસ નદીમાંથી રેતી ભરીને બેફામ દોડતા વાહનો સામે કડક કાર્યવાહીની ગ્રામજનો માગ કરી રહ્યા છે. કાંઠા વિસ્તારના ગામોમાંથી પૂરફાટ ઝડપે રેતી ભરેલા ડમ્પરો દોડતા હોવાથી અકસ્માતોના બનાવો બની રહ્યા છે. ત્રણ દિવસ પહેલા જૂના ડીસા-વાસણા રોડ પર રેતી ભરેલા ટ્રેલરે સ્કૂટીને અડફેટે લેતાં માળી સમાજના એક યુવકનું મોત નિપજ્યું હતું, આ બનાવને લીધે આજૂબાજુના ગામના લોકો રેતી ભરેલા બેફામ દાડતા વાહનો સામે રોષે ભરાયા છે.
જૂના ડીસાના ગ્રામજનોના કહેવા મુજબ જૂના ડીસાથી ઝાબડીયા જતા માર્ગ પર નવા ડામર રોડની કામગીરી ચાલી રહી છે. કોન્ટ્રાક્ટરે ચોમાસામાં જૂનો રોડ ખોદી નાખ્યો છે. આના કારણે ઠેર-ઠેર ખાડાઓ પડ્યા છે. આ ખાડાઓને કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. કોન્ટ્રાક્ટરની ધીમી કામગીરીથી લોકોના જીવ જોખમમાં મુકાયા છે. સ્થાનિકોનો આરોપ છે કે કોન્ટ્રાક્ટર ટેન્ડર નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યો છે. છતાં માર્ગ અને મકાન વિભાગ કોઈ કાર્યવાહી કરતું નથી. સ્થાનિકોએ નવા રોડની કામગીરી જલદીથી પૂર્ણ કરવાની માંગ કરી છે.