રાજકોટમાં મ્યુનિના પ્લોટમાં કચરાના વાહનોના પાર્કિંગ સામે 10 સોસાયટીના લોકોનો વિરોધ
- કચરા ભરેલા વાહનોના પાર્કિંગને લીધે આજુબાજુના લોકોએ વિરોધ કર્યો
- રાતે સ્થાનિક રહિશોએ મોબાઈલની ફ્લેશ લાઈટ કરીને નારા લગાવ્યા
- મંદિરની બાજુમાં મ્યુનિના ખૂલ્લા પ્લોટ્સમાં ટીપરવાન માટેનું પાર્કિંગ
રાજકોટઃ શહેરના મવડી વિસ્તારમાં મ્યુનિની માલિકીના પ્લોટમાં 6 વોર્ડના કચરા ભરેલા ટીપરવાનના પાર્કિંગ માટેનો નિર્ણ લેવાતા સ્થાનિક લોકોએ ભારે વિરોધ કર્યો છે. મ્યુનિ. સત્તાધિશોના આ નિર્ણયથી આસપાસની અલગ-અલગ સોસાયટીમાં રહેતા લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. આ નિર્ણયને રદ કરવા માટે 10 જેટલી સોસાયટીઓનાં રહેવાસીઓ મ્યુનિ. કચેરીએ દોડી આવ્યા હતા. આ પાર્કિંગ મંદિરની દીવાલની બાજુમાં આવતું હોવાથી તેને રદ્દ કરવાની માગ કરી હતી.
રાજકોટ શહેરમાં મવડી વિસ્તારમાં મ્યુનિના ખાલી પ્લોટમાં કચરા ભરેલા વાહનો માટે પાર્કિંગ બનાવવામાં આવી રહ્યુ છે. જેની સામે મ્યુનિ. પ્લોટની આજુબાજુની સોસાયટીના લોકો ભારે વિરોધ કરી રહ્યા છે. રાત્રિના સમયે પ્લોટમાં ટીપરવાન માટેનું કામ ચાલી રહ્યું છે, ત્યાં સ્થાનિક લોકોએ એકઠા થઈ મોબાઈલ ફોનની ફ્લેશ લાઇટ શરૂ કરી અને હર હર મહાદેવના નારા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.તેમજ સ્થાનિકો દ્વારા મ્યુનિ. કચેરી ખાતે પણ આવેદન પત્ર પાઠવી પ્લોટને ટીપરવાનની જગ્યાએ અન્ય હેતુ માટે ઉપયોગ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. ટીપરવાનનાં પાર્કિંગને લઈ રોગચાળો ફેલાશે, તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના મવડી વિસ્તારમાં મંજૂર થયેલી ટી.પી.એસ નંબર-26માં એફ.પી.નં.3(A)માં હાલ રહેણાંક વિસ્તાર છે. આ એફ.પી.માં પહેલા ગાર્ડનનું રિઝર્વેશન ફાળવવામાં આવ્યું હતું. જેની સાચા અર્થે જરૂરિયાત છે, પરંતુ હાલ આ એફ.પી.માં ફેરફાર કરી સોશ્યલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફાળવવામાં આવ્યું છે. જેમાં પણ અહીં આસપાસનાં 6 વોર્ડનો કચરો ઉપાડતી ટીપરવાનનું પાર્કિંગ કરવા માટે આ જગ્યા ફાળવવામાં આવી છે. જો અહીં ટીપરવાનનું પાર્કિંગ આવે તો રહેણાંક વિસ્તારમાં ખુબ જ ટ્રાફિક તેમજ ગંદકી સર્જાય તેમ છે. આ પ્લોટની બાજુમાં જ પૌરાણિક શિવમંદિર હોવાથી જો મંદિરની બાજુમાં કચરાની ગાડીનું પાર્કિંગ આવે તો આજુબાજુમાં રહેતા તમામ વ્યક્તિની ધાર્મિક ભાવનાને પણ ઠેસ પહોંચે તેમ છે. ત્યારે પાર્કિંગ રદ્દ કરી ગાર્ડન બનાવવામાં આવે તે માટેની માગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી છે.