રાજકોટમાં જન્માષ્ટમીના તહેવારોને લીધે પ્રદ્યુમન પાર્ક ઝૂની મુલાકાતે લોકો ઉમટી પડ્યાં
- સફેદ વાઘના ચાર માસના બચ્ચા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા,
- કુદરતી વાતાવરણમાં અલગ-અલગ જીવસૃષ્ટિ નિહાળવાનો લોકો આનંદ માણી રહ્યા છે,
- લોકોનો ધસારો વધતા ટિકિટ કાઉન્ટરોમાં વધારો કરાયો
રાજકોટઃ સૌરાષ્ટ્રમાં રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર સહિત શહેરોમાં આજથી જન્માષ્ટમીના લોક મેળાનો પ્રારંભ થયો છે. આમ તો જન્માષ્ટમીના લોકમેળા ગામેગામ યોજાતા હોય છે. પણ 5 દિવસના મોટા મેળાઓનો આજથી પ્રારંભ થયો છે. દરમિયાન આજથી રજાનો માહેલ હોવાથી રાજકોટ શહેરમાં બાગ-બગીચાઓ અને પ્રદ્યુમન પાર્ક ઝૂમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી. લોકોની ભારે ભીડ જોતા પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ટિકિટના કાઉન્ટરો પણ વધારી દેવામાં આવ્યા છે. તેમજ લોકોની સુરક્ષા અને વધુ સારી સગવડ માટે સિક્યુરિટી અને સફાઈ કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ફક્ત એટલું જ નહીં આગામી સોમવારની રજા પણ રદ્દ કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં જન્માષ્ટમીના તહેવારને લીધે શાળા-કોલેજોમાં પણ 4-5 દિવસની રજાઓ હોવાથી મોટી સંખ્યામાં લોકો ફરવા નીકળતા હોય છે. આ તહેવારોમાં શહેરના પ્રદ્યુમન પાર્ક ઝૂ હંમેશા ખાસ આકર્ષણનું કેન્દ્ર રહે છે. દર વર્ષે હજારોની સંખ્યામાં લોકો અહીં મુલાકાત લે છે અને કુદરતી વાતાવરણમાં અલગ-અલગ જીવસૃષ્ટિ નિહાળવાનો આનંદ માણતા હોય છે. પ્રતિવર્ષ જન્માષ્ટમીનાં તહેવારોમાં મુલાકાતીઓ માટે આ ઝૂમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં વધારાનાં ટિકિટ કાઉન્ટરો ખોલવા ઉપરાંત સિક્યુરિટી સ્ટાફ તેમજ અન્ય તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવે છે. આ વર્ષે પણ નિયમિત 4ને બદલે 8 જેટલા ટિકિટ કાઉન્ટર શરૂ કરાયા છે. તેમજ લોકોની સુરક્ષા અને વધુ સારી સગવડ માટે સિક્યુરિટી અને સફાઈ કર્મચારીઓની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. ફક્ત એટલું જ નહીં આગામી સોમવારની રજા પણ રદ્દ કરવામાં આવી છે. આ વર્ષે ઝૂમાં સફેદ વાઘના 4 માસના બચ્ચા આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
રાજકોટ પ્રદ્યુમન પાર્ક ઝૂનાં સુપ્રીટેન્ડન્ટ ડો. હીરપરાએ જણાવ્યું હતું કે, પ્રતિવર્ષ જન્માષ્ટમીનાં તહેવારોમાં લોકોનો મોટો ધસારો રહે છે. 4-5 દિવસમાં 70-80 હજાર કરતા વધુ લોકો ઝૂની મુલાકાત લેતા હોય છે. જેને ધ્યાનમાં રાખી આ વર્ષે લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટેની તૈયારીઓ અગાઉથી જ કરવામાં આવી છે. સામાન્ય રીતે અહીં 4 ટિકિટ કાઉન્ટર છે. જેના બદલે 8 કાઉન્ટર ઉભા કરાયા છે. અને સિક્યુરિટી તેમજ સફાઈ સ્ટાફમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેથી, લોકોને તેમજ અહીં રહેલા પશુ-પક્ષીઓને કોઈ પ્રકારની મુશ્કેલી પડે નહીં અને સહેલાણીઓ ફરવાનો આનંદ માણી શકે. સામાન્ય રીતે સોમવારે પ્રદ્યુમન પાર્ક બંધ રહે છે પણ, આ વખતે જન્માષ્ટમીના તહેવારને અનુલક્ષીને સોમવારે ઝુ ખુલ્લું રખાશે. ઝુની મુલાકાતે આવનારા સહેલાણીઓને ખાવાની વસ્તુઓ ઝુમાં લઇ જવા પર પ્રતિબંધ મુકાયો છે. જન્માષ્ટમીના તહેવાર નજીક આવી રહ્યા છે. આ વર્ષે તા. 15 ઓગસ્ટ શુક્રવાર અને જન્માષ્ટમી તા.16 ઓગસ્ટ શનિવારે છે. આ પછી તા. 17મીએ રવિવારની રજા આવે છે. આ કારણે રાજકોટના લોકમેળાની સાથોસાથ પ્રદ્યુમન પાર્ક ખાતે પણ સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે.