સિદ્ધપુરમાં સરસ્વતીના તટ પર કાર્તિકી પૂનમના મેળામાં લોકો ઉમટી પડ્યાં
- કાત્યોક પૂર્ણિમાના દિને તર્પણ વિધિનું વિશેષ મહાત્મ્ય,
- સુકી ભઠ્ઠ નદીમાં પાણી ન છોડાતા શ્રદ્ધાળુઓમાં તંત્ર સામે રોષ,
- શ્રદ્ધાળુઓએ નદીના ખાબોચિયામાં ભરેલા પાણીમાં તર્પણ વિધી કરી
સિદ્ધપુરઃ માતૃશ્રાદ્ધ માટે દેશભરમાં સિદ્ધપુરનું વિશેષ મહાત્મ્ય છે. જેમાં કારતક મહિનાની પૂર્ણિમાં એટલે કે કાત્યોક પૂર્ણિમાએ સરસ્વતીના તટ પર લોક મેળો યોજાયો છે. જેમાં ગામેગામથી અનેક લોકો ઉમટી પડ્યા છે. તેમજ ગામ પરગામથી શ્રદ્ધાળુઓ તર્પણ વિધિ માટે આવી રહ્યા છે. ત્યારે સુકી ભઠ્ઠ ગણાતી સરસ્વતી નદીમાં પાણી ન છોડાતા યાત્રાળુઓમાં તંત્ર સામે નારાજગી જોવા મળી હતી.
સિદ્ધપુરમાં 7 દિવસીય કાત્યોક પૂર્ણિમાના મેળાનો પ્રારંભ થયો છે. મેળાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. મેળામાં નાની મોટી 50 જેટલી રાઇડ ગોઠવાઇ છે. જ્યારે શ્રદ્ધાળુની સુરક્ષાને લઇને મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સિદ્ધપુરના 7 દિવસીય કાત્યોક પૂર્ણિમાના મેળામાં સૌથી વિશેષ મહત્વ તર્પણ વિધિ માટેનું છે. જો કે, આ વર્ષે રિવરફ્રન્ટની કામગીરીને લઈને સરસ્વતી નદીમાં પાણી ન છોડાતા નદી સુકીભઠ્ઠ છે. જેથી તર્પણ વિધિ માટે આવેલા લાખો શ્રદ્ધાળુઓને ખાબોચિયા સમાન નદીના પટમાં ભરેલા વરસાદી પાણીમાં તર્પણ વિધિ પૂર્ણ કરવાની ફરજ પડી હતી.
સિદ્ધપુરમાં સરસ્વતી નદીના પટમાં 7 દિવસીય લોક મેળામાં લાખો લોકો આવતા હોવાથી કાયદો-વ્યવસ્થાની અને સુરક્ષાની સ્થિતિ સુનિશ્ચિત કરવા માટે દર વર્ષે જેમ આ વખતે પણ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વર્ષે મેળામાં 1 નાયબ પોલીસ અધિક્ષક, 5 પોલીસ ઈન્સપેક્ટર, 46 પોલીસ સબ ઈન્સપેક્ટર, 250 પોલીસ જવાનો, 120 હોમગાર્ડ જવાનો અને 350 જીઆરડીના જવાનો સહિત 4 ઘોડેસવાર પોલીસ મેળામાં સુરક્ષાનો પુરી પાડી રહ્યા છે. મેળામાં ગુરુવાર રાત્રિથી યાત્રિકોનો ધસારો શરૂ થઇ ગયો છે. આગામી 3- 4 દિવસ ભારે ભીડ જામશે. મેળામાં મનોરંજન માટે 5 હોડીયા, 3 ડોગલા, 3 બ્રેક ડાન્સ, 3 ત્રાંસી, 2 મોતના કૂવા, 2 ઝીબ્રા, 2 સળીયા, 2 વિમાન સહિત 50 જેટલી નાની-મોટી રાઈડો ઊભી કરાઈ છે. વિવિધ ખાદ્ય પદાર્થો તેમજ ઠેર ઠેર શેરડી વેચાણના સ્ટોલ ખડકાઈ ગયા છે. કાર્તિકી પૂર્ણિમાના મેળા દરમિયાન સિદ્ધપુર એસ.ટી વિભાગ દ્વારા 20 બસ અમદાવાદ, 20 બસ પાટણ, ખેરાલુ, મહેસાણા, પાલનપુર તેમજ ટ્રાફિક મુજબ સિદ્ધપુર તાલુકાના ગામડામાં મળી કુલ 40 વધારાની બસો મુકાઇ છે.