હોમગુજરાતદેશ-વિદેશરાજનીતિમનોરંજનટેકનોલોજીવેપારપ્રવાસરમત - ગમતરિવોઈહિરોઝ
Advertisement

ભાવનગરમાં રેખ્તા ગુજરાતી ઉત્સવને લોકોએ મન ભરીને માણ્યો

05:10 PM Jan 21, 2025 IST | revoi editor
Advertisement

ભાવનગર:પ્રતિષ્ઠિત સંસ્થા રેખ્તા ફાઉન્ડેશને ભાવનગરમાં રવિવારે એનો પ્રથમ ગુજરાતી કાર્યક્રમ 'ગુજરાતી ઉત્સવ' યોજ્યો હતો. મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં ખીચોખીચ અટલ ઓડિટોરિયમમાં મહાનુભાવોની ઉપસ્થિતિમાં મુશાયરામાં ગઝલ-ગીતની તો સંગીતસંધ્યામાં ગુજરાતી સંસ્કૃતિની મહેફિલ જામી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન,રેખ્તા ગુજરાતીના પ્રેરક અને સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા તુષાર મહેતા દિલ્હીમાં ગાઢ ધુમ્મસ હોવાને કારણે ભાવનગર પહોંચી શક્યા ન હતા.

Advertisement

કાર્યક્રમની શરૂઆત રેખ્તા ગુજરાતીની ઓળખ આપતા વીડિયો સાથે થઈ હતી. એ પછી  અતિથિ વિશેષ શાહબુદ્દીન રાઠોડ અને કવિ વિનોદ જોશીએ દીપ પ્રાગટ્ય્ કર્યું હતું.શાહબુદ્દીન રાઠોડ અને વિનોદ જોશીનું સ્વાગત મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીના ગુજરાતી ભાષા વિભાગના અધ્યક્ષ મહેન્દ્રસિંહ પરમારે કર્યું હતું. સૌપ્રથમ કવિ વિનોદ જોશીએ રેખ્તા ગુજરાતીને ભાવનગરમાં આવકાર આપી તેમને પ્રિય એવું સાગર અને શશી  કાવ્યનો‌ પાઠ કરી અને હર્ષા દવેની સાગરને કેન્દ્રમાં રાખી લખેલી કવિતાથી ભાવનગરનાં કવિઓની કવિતાનો શબ્દદિપ કેટલો ઝળહળતો થયો છે એની વાત કરી હતી.

Advertisement

શાહબુદ્દીન રાઠોડે પોતાના આગવા અંદાજમાં સત્ત્વશીલ રમૂજ સાથે સાહિત્યકારના વર્ણન અને સામાન્ય માણસની સ્થિતિ  કેવી રોજિંદા જીવનની ક્ષણો હોય છે એને હાસ્યથી ભરી આપી હતી તથા ગઝલનાં શેર અને કવિતાઓની પંક્તિઓથી સાહિત્યની રોનક જમાવી હતી. પરિવાર સાથે સાંભળી શકાય એવું હાસ્ય આપી જીવનના સત્યોને હળવાશથી જીવવાની હાસ્યબુટ્ટીઓ રેલાવી હતી.  શાહબુદ્દીન રાઠોડે કહ્યું હતું કે, ‘હસવું અને વિચારવું સાથે ન થાય ત્યારે આપણે ખડખડાટ હસી શકીયે છીએ.’

ભાવનગરમાં બાળકેળવણીકાર ગિજુભાઈ બધેકાને યાદ કરી રેખ્તા ગુજરાતીની વેબસાઇટ પર બાળસાહિત્ય વિભાગનું પણ લોકાર્પણ શાહબુદ્દીન રાઠોડને  હસ્તે થયું હતું. આ પ્રસંગે રેખ્તા કિડ્ઝ ઍપ અને બાળસાહિત્યનો ખાસ વીડિયો સ્ક્રીન પર દર્શાવવામાં આવ્યો હતો. ઉદ્ધાટન બાદ મુશાયરાની મોજ શરૂ થઈ હતી જેમાં રાજેન્દ્ર શુક્લ, સૌમ્ય જોશી, ભાવેશ ભટ્ટ, કૃષ્ણ દવે, પારુલ ખખ્ખર,મનોહર ત્રિવેદી, સ્નેહી પરમાર અને ભરત વિંઝુડાએ ગીત-ગઝલ-કવિતાની જમાવટ કરી હતી.

મધ્યાંતર પછી જીગરદાન ગઢવી ઉર્ફ જીગરાના બેન્ડે ગુજરાતી ગીત-સંગીતની રજૂઆતથી સંગીતવિશ્વ સર્જ્યું હતું. એમાં જાણીતાં ગીતો સહિત ઓછાં જાણીતાં અને આધુનિક ગુજરાતી ગીતોની પણ શાનદાર રજુઆત થઈ હતી. મિલિન્દ ગઢવીએ આગવી શૈલીમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરી પ્રેક્ષકોનો રસ સતત જાળવી રાખ્યો હતો. ઉલ્લેખનીય છે કે ભાવનગર અગાઉ વડોદરા અને મુંબઈમાં રેખ્તા ગુજરાતી ઉત્સવને શાનદાર આવકાર મળ્યો હતો.

રેખ્તા ફાઉન્ડેશની પહેલ રેખ્તા ગુજરાતીની શરૂઆત 20 માર્ચ 2024ના રોજ અમદાવાદમાં મોરારિબાપુ, તુષાર મહેતા અને પરેશ રાવલને હસ્તે થઈ હતી જેને સર્વત્ર આવકાર મળ્યો છે. બાળકોને સરળ અને રસપ્રદ રીતે ગુજરાતી શીખવવા માટે રેખ્તા કિડ્ઝ ઍપ પણ બનાવવામાં આવી છે. આ સિવાય ગુજરાતનાં ઐતિહાસિક પુસ્તકાલયોને ડિજિટાઇઝ્ડ કરવાનું કામ પણ રેખ્તા ગુજરાતી વિનામૂલ્યે કરે છે. આ અંતર્ગત અમદાવાદના ભારતીય વિદ્યાભવન, નડિયાદના અ. સૌ. ડાહીલક્ષ્મી પુસ્તકાલય અને નવસારીના શ્રી સયાજી વૈભવ પુસ્તકાલયમાં ડિજિટાઇઝેશનનું કામ ચાલી રહ્યું છે. 

આપની જેમ હું કદી વહેણ મુજબ વહ્યો નથી

રોજ સમંદરોની સાથ મારે ઝપાઝપી થઈ

-ભાવેશ ભટ્ટ

 

મારે કોઈ એવી વિધિ કરવી છે

આંખોને બસ આંસુ પીતી કરવી છે

જે માને છે નાનો માણસ પોતાને

એની નીચે નાની લીટી કરવી છે

-સ્નેહી પરમાર

 

ઝઘડવાનું બને જેઓની સાથે,

ખરેખર  નીકળે તારા સગાં તો?

- ભરત વિંઝુડા

 

મારાં ચહેરા પરથી થોડા સૈકાઓની ધૂળ ઉડાડી અદ્દલ મારા હાવભાવ લઈ કોણ ઊભું છે?

તડકાંના ટોળાં વચ્ચેથી બે ક્ષણ લીલી ચોરી લઈને જીવતર નામે ધૂપછાંવ લઈ કોણ ઊભું છે?

-પારૂલ ખખ્ખર

 

પગમાં છડા _વીંછિયાં

હાથીદાંતનાં સોહે કૈંક ઘરેણાં હાથમાં

જુવાનજોધ તેજીનાં

પરસેવે રેબઝેબ કાળાંડિબાંગ છે અંગેઅંગ. આખો દિ' ફોરતાં એનાં લૂગડાં મેલાંદાટ ને ભીનાં....

-મનોહર ત્રિવેદી  

 

ખાંગા થઈને તુટી પડેલાં મેઘને બે શબ્દો...

આ રીતે વ્હાલ કંઈ કરાય ?

ઊભરાયું હોય હેત

ટપલીક બે મારીએ

પણ સીધો કાંઈ ધુંબો મરાય?

આ રીતે વ્હાલ કંઈ કરાય ?

-કૃષ્ણ દવે

Advertisement
Tags :
Aajna SamacharBhavnagarBreaking News GujaratiGujarati AkhbarGujarati HeadlinesGujarati newsGujarati News ChannelGujarati NewspaperGujarati ReportGujarati samacharLatest News Gujaratilocal newsLocal SamacharLokpriya SamacharMajor NEWSMota BanavNews ArticleNews BlogNews in GujaratiNews LiveNews UpdatesPopular NewsRekhta Gujarati FestivalSamachar ArticleSamachar BlogSamachar LiveSamachar SamacharTaja Samacharviral news
Advertisement
Next Article