થરાના નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર ખાડાઓ અને ભરાયેલા પાણીને લીધે લોકોને મુશ્કેલી
- થરાના સર્વિસ રોડ પર ગટર અને વરસાદી પાણી ભરાયેલા રહે છે,
 - સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાંને લીધે વાહનચાલકોને પડતી મુશ્કેલી,
 - સર્વિસ રોડની સત્વરે મરામત નહીં કરાય તો લોકો હાઈવે પર ચક્કાજામ કરશે
 
પાલનપુરઃ થરામાં પસાર થતા નેશનલ હાઈવેની બન્ને બાજુ સર્વિસ રોડ બનાવવામાં આવેલો છે. આ સર્વિસ રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડ્યા છે. તેમજ રોડ પર વરસાદી અને ગટરના પાણી ભરાયેલા રહેતા હોવાથી રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સ્થાનિક લોકોએ સર્વિસ રોડ પર પડેલા ખાડાને મરામત કરવાની માગ કરી છે. તંત્રને રજુઆત કરવા છતાંયે હજુ કોઈ કામગીરી હાથ ધરવામાં આવી નથી.
થરામાં નેશનલ હાઇવેની બંને બાજુના સર્વિસ રોડ સ્થાનિકો નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. વરસાદી અને ગટરના પાણીના ભરાવાને કારણે રોડ પર હંમેશાં પાણી ભરાયેલું રહે છે, જ્યારે મોટા ખાડાઓ પડતા વાહનચાલકોને જોખમભર્યા સંજોગોમાં અવરજવર કરવી પડે છે. તેમજ રોડ પરના ખાડાના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે. અને વાહન ફસાઈ જવાથી ટ્રાફિક જામ સર્જાય છે. તેથી સ્થાનિક દુકાનદારો તેમજ રહેવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે. સાત દિવસમાં કાર્યવાહી નહી થાય તો સ્થાનિક નાગરિકોની હાઈવે ચક્કાજામની ચીમકી આપી છે.
આ અંગે સ્થાનિક નાગરિકોએ કલેક્ટર, હાઈવે ઓથોરિટી અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે, સર્વિસ રોડની મરામત, પાણીની યોગ્ય નિકાલની વ્યવસ્થા અને ખાડા પુરવાની તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. આ અંગે નાગરિકોએ ચેતવણી આપી છે કે જો સાત દિવસમાં યોગ્ય પગલાં નહીં લેવામાં આવે, તો હાઈવે પર ચક્કાજામ આંદોલન કરીને તંત્ર સામે કડક વિરોધ નોંધાવવામાં આવશે.