જમ્મુ અને કાશ્મીરમાં આવેલી શાંતિને કાયમી શાંતિમાં રૂપાંતરિત કરવી પડશે: અમિત શાહ
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં 'વતન કો જાનો' કાર્યક્રમ અંતર્ગત જમ્મુ અને કાશ્મીરનાં 250 બાળકો સાથે વાતચીત કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ સચિવ અને ઇન્ટેલિજન્સ બ્યૂરો (આઇબી)ના ડિરેક્ટર પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ જમ્મુ અને કાશ્મીરના યુવાનો અને બાળકોને દેશની ગતિશીલ પ્રગતિ, સમૃદ્ધ સામાજિક તાણાવાણા અને સાંસ્કૃતિક વિવિધતાથી પરિચિત કરાવવાનો છે. જે સામાજિક, સાંસ્કૃતિક અને ભાવનાત્મક જોડાણની મજબૂત ભાવનાને પ્રોત્સાહન આપે છે.
વાતચીત દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 'વતન કો જાનો' કાર્યક્રમને આપણા દેશની સમજણને વધુ ગાઢ બનાવવાની પહેલ ગણાવી હતી. તેમણે કહ્યું કે આપણો દેશ આપણું ઘર છે અને જેમ આપણે આપણા ઘરના દરેક ભાગથી પરિચિત છીએ, તેવી જ રીતે આપણે પણ આપણા દેશને એ જ રીતે ઓળખવો જોઈએ. શાહે જણાવ્યું હતું કે, આ વિઝનને કારણે ભારત સરકાર 'વતન કો જાનો' કાર્યક્રમ શરૂ કરવા તરફ દોરી ગઈ હતી. ગૃહમંત્રીએ કહ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કલમ 370 નાબૂદ કરીને સમગ્ર દેશને એક કર્યો છે અને હવે કાશ્મીરનાં નાગરિકોને દેશ પર એ જ અધિકાર છે જેટલો અન્ય કોઈ પણ રાજ્યનાં નાગરિકોનો છે.
અમિત શાહે ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં છેલ્લાં એક દાયકામાં ભારતને સમૃદ્ધ, આધુનિક અને વૈશ્વિક નેતા બનાવવા નોંધપાત્ર પ્રયાસો થયા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભવિષ્યમાં સમગ્ર વિશ્વમાંથી વિદ્યાર્થીઓ શિક્ષણ માટે ભારત આવશે. જેમ જેમ ભારત આગળ વધશે, તેમ તેમ તે સ્વાભાવિક રીતે જ તમામ માટે પ્રગતિને વેગ આપશે. ગૃહ મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વધારે સમૃદ્ધ, આધુનિક અને વિકસિત ભારત દરેકને લાભ આપશે.
કેન્દ્રીય ગૃહ મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદીનાં નેતૃત્વમાં જમ્મુ અને કાશ્મીરમાં શિક્ષણ, ઉદ્યોગ, હેલ્થકેર અને માળખાગત સુવિધામાં નોંધપાત્ર વિકાસ થયો છે. તેમણે જણાવ્યું હતું કે, વિશ્વનો સૌથી ઊંચો રેલવે કમાન પુલ, એશિયાની સૌથી મોટી ટનલ અને દેશનો એકમાત્ર કેબલ સસ્પેન્શન બ્રિજ આ તમામનું નિર્માણ કાશ્મીરમાં થયું છે. જમ્મુ અને કાશ્મીર ભારતનો એકમાત્ર એવો પ્રદેશ છે કે જ્યાં બે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (આઇઆઇએમ) સાથે બે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (એઇમ્સ) છે. તેમાં 24 મોટી કોલેજો અને આઠ યુનિવર્સિટીઓ પણ છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, એક સમયે બોમ્બ વિસ્ફોટો અને આતંકવાદથી ખરાબ રીતે અસરગ્રસ્ત કાશ્મીરમાં છેલ્લાં એક દાયકામાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. પથ્થરમારા, બોમ્બ વિસ્ફોટો અને આતંકવાદની ઘટનાઓનો ખાતમો કરવામાં આવ્યો છે, જેના કારણે શાળાઓ સરળતાથી કામ કરી શકે છે. સડકો, હૉસ્પિટલો અને યુનિવર્સિટીઓ સહિત આંતરમાળખાકીય વિકાસે ઝડપથી પ્રગતિ કરી છે. તદુપરાંત, 36,000 ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ હવે પંચાયત અને નગરપાલિકા સ્તરે તેમની યોગ્ય સત્તા ધરાવે છે, જે આ પ્રદેશમાં તળિયાની લોકશાહીને મજબૂત બનાવે છે.
અમિત શાહે જણાવ્યું હતું કે, વિકાસ ત્યારે જ થઈ શકે છે જ્યારે શાંતિ હોય. તેમણે કહ્યું કે આતંકવાદથી કોઈને ફાયદો થતો નથી. છેલ્લા 30 વર્ષમાં કાશ્મીરમાં હિંસાને કારણે 38 હજાર લોકોના મોત થયા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં નાગરિકોના મૃત્યુમાં 80 ટકાનો ઘટાડો થયો છે અને લોકો તેનાથી ખુશ છે, પણ સાચી ખુશી ત્યારે મળશે જ્યારે જમ્મુ-કાશ્મીરનો એક પણ નાગરિક પોતાનો જીવ ગુમાવશે નહીં . કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે જમ્મુ-કાશ્મીરને એવું સ્થાન બનાવવાનું અમારું લક્ષ્ય છે જ્યાં આતંકવાદના કારણે એક પણ વ્યક્તિનું મોત ન થાય. તેમણે કહ્યું કે, આવું જમ્મુ-કાશ્મીર બનાવવાની જવાબદારી બાળકો અને યુવાનોની છે.