PCBની મુશ્કેલીમાં વધારો, એન્ડી પાયક્રોફ્ટ સાથેની મીટીંગના વીડિયો બાબતે ICCએ માંગ્યો ખુલાસો
દુબઈ : એશિયા કપ દરમિયાન પાકિસ્તાન ક્રિકેટ ટીમનો વિવાદ શમવાનું નામ જ નથી લઈ રહ્યો, યુએઈ સામેનો મુકાબલો એક કલાક મોડો શરૂ થયો હતો અને હવે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના વર્તનને કારણે આઈસીસી (ICC)એ સખત વલણ અપનાવ્યું છે. અહેવાલ મુજબ, PCBએ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ, પાકિસ્તાનના કપ્તાન સલમાન આગા અને કોચ માઈક હેસન વચ્ચે થયેલી વાતચીતને રેકોર્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ બધું PMOA (Players and Match Officials Area) વિસ્તારમાં થયું, જ્યાં કોઈપણ પ્રકારની રેકોર્ડિંગ સખ્ત મનાઈ છે. જ્યારે PCBને આવું કરવાની મંજૂરી ન મળી, ત્યારે તેમણે મેચમાંથી હટી જવાની ધમકી આપી. મેચ બચાવવા PCBને રેકોર્ડિંગ કરવાની છૂટછાટ આપવામાં આવી. જોકે, PCBએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં પાયક્રોફ્ટ માફી માંગતા દેખાતા હોવાનો દાવો PCBએ કર્યો, પરંતુ તેમાં કોઈ અવાજ નહોતો. આઈસીસીના સૂત્રોના જણાવ્યા મુજબ, બિન-ઓડિયો ક્લિપ પોસ્ટ કરી ભ્રામક માહિતી ફેલાવવાનો પ્રયાસ હતો.
આઈસીસીના CEO સંયોગ ગુપ્તાએ PCBને ઈમેલ મોકલીને PMOA વિસ્તારમાં થયેલા ઉલ્લંઘન અંગે ગંભીર નારાજગી વ્યક્ત કરી છે. આઈસીસી અનુસાર, આ ક્ષેત્રમાં ફોન લઈ જવો કે વીડિયો બનાવવો ગંભીર ગુનામાં ગણાય છે. જાણવા મળ્યું છે કે PCBના મીડિયા મેનેજર નવીમ ગિલાની પોતાનો ફોન અંદર લઈ જવા માગતા હતા અને રોકતાં મેચ પૂર્વે બ્લેકમેઇલિંગ કરવાની કોશિશ કરી હતી. આઈસીસીએ પહેલેથી જ 17 સપ્ટેમ્બરના રોજ PCBને એક ઈમેલ મોકલ્યો હતો, તે દિવસે પણ મેચ મોડી શરૂ થવા મુદ્દે જવાબ માંગ્યો હતો જો કે, હજી સુધી PCB તરફથી કોઈ જવાબ મળ્યો નથી.