વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડસમાં પાકિસ્તાનની ફજેતી બાદ PCB એ લીધો મહત્વનો નિર્ણય
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તંગ સંબંધોને લઈને આગામી દિવસોમાં યોજાનારા એશિયાકપ ઉપર હાલ સંકટના વાદળો છવાઈ રહ્યાં છે. દરમિયાન વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ 2025માં ભારત દ્વારા પાકિસ્તાન સામેની મેચનો વારંવાર બહિષ્કાર કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની ફજેતી થઈ રહી છે. જેથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે (PCB) મોટો નિર્ણય લઈને ખાનગી ક્રિકેટ લીગમાં દેશના નામનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.
અહેવાલ અનુસાર, પીસીબીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સેની તાજેતરમાં એક બેઠક યોજી હતી. જેમાં નિર્ણય લેવાયો હતો કે, ભારતીય ખેલાડીઓએ WCL 2025માં એક વાર નહીં, પરંતુ બે વાર પાકિસ્તાન સામે મેચ રમવાનો ઈનકાર કર્યો હતો, જેનાથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી રહ્યું છે. હવે 'પાકિસ્તાન' શબ્દનો ઉપયોગ કોઈપણ ખાનગી લીગમાં કરાશે નહીં.' પહલગામ હુમલા પછી ભારતે પાકિસ્તાન સાથે કોઈપણ સ્તરે ક્રિકેટ ન રમવાનો નિર્ણય લીધો છે. ભારતીય ખેલાડીઓએ આ ખાનગી ક્રિકેટ લીગમાં પણ પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર કર્યો હતો. જોકે, આ વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ખાનગી ઈવેન્ટ હોવાથી પાકિસ્તાન કંઈ કરી શકતું નથી. જો તે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અથવા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ટુર્નામેન્ટ હોત, તો પાકિસ્તાન અવાજ ઉઠાવી શક્યું હોત.