ખ્યાતિકાંડ બાદ PMJAY હેઠળ મંજુરી મળવામાં થતાં વિલંબથી દર્દીઓ પરેશાન
- ભાજપના ધારાસભ્યએ સીએમને પત્ર લખીને કરી રજુઆત
- ઈમજન્સી કેસમાં પણ તાત્કાલિક મંજુરી ન મળતા ગરીબ દર્દીઓ પરેશાન
- હવે તો આરોગ્ય વિભાગના કર્મીઓ પણ મંજુરી આપતા ફફડે છે
સુરતઃ અમદાવાદના ખ્યાતિકાંડમાં પીએમજેએવાય યોજનાના કૌભાંડમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓની સંડોવણી બહાર આવ્યા બાદ હવે આરોગ્ય વિભાગના કર્મચારીઓ છાશ પણ ફુંકીને પી રહ્યા છે. એટલે કે ખાનગી કે સરકારી હોસ્પિટલો પીએમજેએવાય યોજનામાં દાખલ થયેલા ગરીબ દર્દીઓ માટે મંજુરી માગે એટલે ત્વરિતથી મંજુરી મળતી નથી. તેથી ગરીબ દર્દીઓ અને તેમના સગાઓ ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઈમજન્સીમાં પણ ત્વરિત મંજુરી મળતી નથી. આ અંગે સુરતના વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ આવા દર્દીઓની યાદી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. અને જરૂરિયાત મંદ દર્દીઓને ત્વરિત મંજુરી આપવામાં આવે તેવી માગ ઊઠી છે.
ખ્યાતિકાંડમાં પીએમજેએવાય હેઠળ થતી સારવારમાં ગેરરીતિ સામે આવ્યા બાદ સરકાર દ્વારા ગેરરીતિ રોકવા માટે કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે. આ યોજના હેઠળ ગેરરીતિ કરતી હોસ્પિટલ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, આ કડક કાર્યવાહી વચ્ચે ઈમરજન્સી કેસમાં કેટલાક દર્દીઓને તાત્કાલીક એપ્રુવલ ન અપાતા મુશ્કેલી પડી રહી છે. આથી સુરતના વરાછા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ આવા દર્દીઓની યાદી સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ યોજનાનો થતો દુરુપયોગ રોકવાની વાત કરી છે. પરંતુ, જે દર્દી સાચા છે તેઓને તાત્કાલીક એપ્રુવલ મળે તે માટે રજૂઆત કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર મળી રહે તેના માટે આયુષ્યમાન કાર્ડ યોજના અમલમાં લાવવામાં આવી છે. એક દર્દીને દસ લાખ રૂપિયા સુધીની સારવાર કરવાની સરકાર દ્વારા મંજૂરી મળતી હોય છે. આયુષ્યમાન કાર્ડધારક ગરીબ દર્દીઓ જ્યારે ખાનગી હોસ્પિટલમાં જ્યારે સારવાર માટે જાય છે ત્યારે આયુષ્યમાન કાર્ડ હોવાને કારણે દર્દી માનસિક રીતે સહજ થઈ સારવાર લેવા પહોંચી જાય છે. છેલ્લા કેટલાક દિવસથી જાણીતી હોસ્પિટલોમાં સારવાર માટે ગયેલા દર્દીઓના આયુષમાન કાર્ડની મંજૂરી સરકાર દ્વારા આપવામાં આપવામાં આવતી નથી. ઘણા દર્દીઓ એવા પણ છે કે જેઓ સારવાર લેવા પહોંચી ગયા પરંતુ ત્યાં તેમનો કાર્ડ એપ્રુવ થયું ન હતું.તેને કારણે તેમને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે કેટલાક હોસ્પિટલમાં હવે એ પ્રકારનું લખાણ લખાવી લે છે કે આયુષ્યમાન કાર્ડ જો એપ્રુવલ ન થાય તો સારવારનો તમામ ખર્ચ આપીશુ. હોસ્પિટલના સંચાલકો પણ આયુષ્યમાન કાર્ડ એપ્રુવલ ન આવતા હોવાને કારણે લખાણ લેતા થઈ ગયા છે.
સુરતના વરાછા વિધાનસભા બેઠકના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આયુષ્યમાન કાર્ડ યોજનામાં ગંભીર પ્રકારના રોગોમાં સારવાર માટે લોકોને લાભ મળતો હોય છે. પરંતુ ખ્યાતી હોસ્પિટલના ફ્રોડ પછી નવી એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા SOP જાહેર કરવામાં આવી છે. તે સારી બાબત છે કે આ યોજનામાં ખોટું ન થવું જોઈએ. પરંતુ હાલ આ યોજનાની અંદર જેમની પાસે કાર્ડ છે અથવા તો ઈમરજન્સીમાં નવા કાર્ડ કઢાવે છે. તેવા લોકોને ઈમરજન્સી સારવારની જરૂર હોવા છતાં કાર્ડનુ એપ્રુવલ મળતું નથી. તો મને એવું લાગે છે કે આ યોજનાનો દુરુપયોગ ન થાય તે જરૂરી છે. પરંતુ સાચા દર્દીઓના તાત્કાલિક એપ્રુવલ મળવું પણ જરૂરી છે. ઘણા દર્દીઓ છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલની પથારીએ કાર્ડના એપ્રુવલની રાહ જોઈને બેઠા છે. જેમાં એકસીડન્ટ કેસો પણ સામેલ છે. જેના ઈમરજન્સી ઓપરેશન કરવા જરૂરી હોવા છતાં તેમનું અપ્રુવલ મળતુ નથી. જેથી તેના જીવનું જોખમ ઉભું થતું હોય છે. આ વિષયને ધ્યાનમાં લઇ તાત્કાલિક ધોરણે ઘટતું કરવા રજૂઆત કરી છે.