પાટણ: મેસર ગામમાં જૂની અદાવતમાં હિંસક અથડામણ, 5 લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગરઃ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામમાં જૂની અદાવતને લઈને બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ છે. આ ઘટનામાં એરગન, લાકડીઓ અને પથ્થરમારો થયો હતો. અથડામણમાં કુલ 5 લોકો ઘાયલ થયા છે.
એરગનથી થયેલા ફાયરિંગમાં બે વ્યક્તિઓને ગોળી વાગી હતી. એક વ્યક્તિને પગના ભાગે અને બીજા વ્યક્તિને પેટના ભાગે ગોળી વાગી હતી. પેટમાં ગોળી વાગેલા ઈસમની સ્થિતિ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે.
ઘટનાની જાણ થતાં જ વાગડોદ પોલીસ સ્ટેશનનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે બન્ને જૂથોના ટોળાને વિખેર્યાં હતા. ઘાયલોને પ્રાથમિક સારવાર માટે પાટણની ધારપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ધારપુર હોસ્પિટલના ડો.રમેશભાઈના જણાવ્યા મુજબ, બાકીના 4 ઈસમોએ પ્રાથમિક સારવાર બાદ રજા લઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાનું પસંદ કર્યું છે. પાટણથી વધારાનો પોલીસ કાફલો પણ ગામમાં તૈનાત કરી દેવામાં આવ્યો છે.