પાટણ કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, તંત્ર દોડતું થયું
મહેસાણાઃ પાટણ જિલ્લાના કલેક્ટર કચેરીના મેલ આઈડી પર બોમ્બ બ્લાસ્ટની ધમકી આપતો ઈ-મેલ મળતાં સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો હતો. આ ઈ-મેલ પોણાબે વાગ્યે એક અજ્ઞાત આઈડી પરથી મોકલવામાં આવ્યો હતો, જેમાં બપોરે ત્રણ વાગ્યા સુધી બ્લાસ્ટ થવાની શક્યતા દર્શાવવામાં આવી હતી. જેના પગલે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા અને સુરક્ષા વધારવામાં આવી હતી. જિલ્લા કલેક્ટરે સમય સૂચકતા વાપરી તાત્કાલિક તમામ કર્મચારીઓને કચેરી ખાલી કરવાની સૂચના આપી હતી. કર્મચારીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો અને તેઓ તરત જ કચેરીની બહાર નીકળી ગયા હતા. કલેક્ટર કચેરીને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી અને બોમ્બ સ્ક્વોડ તથા ડોગ સ્ક્વોડ દ્વારા કચેરીની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે.
ઘટનાની જાણ થતા તાત્કાલિક જિલ્લા પોલીસ સુપરિન્ટેન્ડન્ટને માહિતી અપાઈ હતી. ત્યારબાદ એલસીબી, એસઓજી અને બી ડિવિઝન સહિતની પોલીસ ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી. આસપાસના વિસ્તારોમાં પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. સાવચેતીના પગલે કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી અને તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. આવી જ ઘટના ગઈકાલે વડોદરામાં પણ જોવા મળી હતી, જ્યાં GIPCL કંપનીને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. જેના પગલે પોલીસ અને વિવિધ તપાસ એજન્સીઓએ ત્રણ કલાક સુધી સર્ચ ઓપરેશન કર્યું હતું. જોકે, બંને ઘટનામાં હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી અને ઈ-મેલ મોકલનારની શોધખોળ ચાલી રહી છે.