નેપાળ-ભૂટાન નાગરિકોને પ્રવેશ માટે પાસપોર્ટ-વિઝા ફરજિયાત નહીઃ ભારત સરકારનો નિર્ણય
નવી દિલ્હી: ભારત સરકારે સ્પષ્ટ કર્યું છે કે નેપાળ અને ભૂટાનના નાગરિકોને ભારતમાં પ્રવેશ કરવા માટે પાસપોર્ટ અને વીઝાની જરૂરિયાત હવે પણ નહીં રહે. ગૃહ મંત્રાલયે (MHA) તાજેતરમાં જાહેર કરેલા નવા આદેશમાં જણાવ્યું કે આ જ છૂટ ભારતના નાગરિકોને પણ લાગુ પડશે, જો તેઓ નેપાળ અથવા ભૂટાનથી રસ્તા કે હવાઈ માર્ગે ભારત પરત આવે છે. આ નિર્ણય 2025થી લાગુ થયેલા “આપ્રવાસન અને વિદેશી નાગરિક અધિનિયમ” હેઠળ આવ્યો છે. ગૃહ મંત્રાલયે જણાવ્યું કે ભારતીય નૌકાદળ, થલસેના અને વાયુસેનાના જવાનોએ, જો તેઓ ડ્યુટી પર સરકારી પરિવહન દ્વારા મુસાફરી કરે છે, તો તેમને પણ પાસપોર્ટ કે વીઝા બતાવવાની જરૂર નહીં પડે. તેમના પરિવારજનોને પણ, જો તેઓ સરકારી પરિવહન સાથે મુસાફરી કરી રહ્યા હોય, તો આ છૂટ મળશે.
આદેશ મુજબ, જો કોઈ ભારતીય નાગરિક નેપાળ અથવા ભૂટાનની સીમા પરથી રોડ કે હવાઈ માર્ગથી ભારતમાં પ્રવેશ કરે છે, તો માન્ય પાસપોર્ટ કે વિઝાની શરતો લાગુ નહીં પડે. એ જ રીતે, નેપાળ અથવા ભૂટાનનો કોઈ નાગરિક ભારતમાં આવે છે, તો તેને પણ પાસપોર્ટ કે વિઝાની જરૂર નહીં હોય. જોકે, આ છૂટ ચીન, મકાઉ, હૉંગકોંગ અથવા પાકિસ્તાનમાંથી આવનારા મુસાફરો પર લાગુ નહીં થાય.
ગૃહ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે ભારતમાં પહેલાથી રહેલા તિબેટી નાગરિકોને પણ રાહત આપવામાં આવી છે. જે તિબેટીઓએ 1959 પછી પરંતુ 30 મે 2003 પહેલાં ભારતીય દૂતાવાસ, કાઠમંડુમાંથી વિશેષ પ્રવેશ પરમિટ (Special Entry Permit) મેળવીને ભારત પ્રવેશ કર્યો હતો, તેઓ અહીં રહેવા હકદાર રહેશે. સાથે જ, 30 મે 2003 બાદથી લઈને નવા કાયદો અમલમાં આવે ત્યાં સુધી, વિશેષ પરમિટ મેળવીને આવેલા લોકોને પણ નોંધણી કર્યા પછી આ છૂટ મળશે.