For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

સુરતના મગદલ્લા જેટી નજીક દરિયામાં વેસલ્સમાંથી ક્રેઈનનો ભાગ તૂટી પડ્યો

04:36 PM Oct 02, 2025 IST | Vinayak Barot
સુરતના મગદલ્લા જેટી નજીક દરિયામાં વેસલ્સમાંથી ક્રેઈનનો ભાગ તૂટી પડ્યો
Advertisement
  • 70 કિમીની ઝડપે પવન ફુંકાતા શિપની ક્રેઈન હિલોળા ખાવા લાગી,
  • છેલ્લા ત્રણ દિવસથી જેટી બંધ હોવાના કારણે કોલસો ખાલી કરવાની કામગીરી બંધ હતી,
  • ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી,

સુરતઃ દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદી વાતાવરણ છે. ત્યારે શહેર નજીક  મગદલ્લા જેટી નજીક મધદરિયે મોટી દુર્ઘટના ટળી છે. 70 કિમીની ઝડપે ફુંકાયેલા ભારે પવનને કારણે શ્રીજી શિપિંગના વેસલ્સમાંથી કોલસો ખાલી કરવા ગયેલી ક્રેનનો આગળનો ભાગ તૂટી પડ્યો હતો. સૂત્રોના કહેવા મુજબ  સોમવારે પ્રતિ કલાક 60થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાતા મધદરિયે રહેલી ભારેભરખમ ક્રેન હિલોળા ખાવા લાગી હતી અને અચાનક તેનો મુખ્ય ભાગ ધડામ કરતો સમુદ્રમાં તૂટી પડ્યો હતો. જોકે, છેલ્લા ત્રણ દિવસથી જેટી બંધ હોવાના કારણે કોલસો ખાલી કરવાની કામગીરી બંધ હતી, જેના પગલે કોઈ જાનહાનિ થઈ નહોતી અને મોટી દુર્ઘટના ટળી હતી. આ સમગ્ર ઘટના અંગે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.

Advertisement

આ બનાવની વિગત એવી છે કે, ગત શનિવાર સાંજથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાયો હતો, જેના કારણે વલસાડ અને ચીખલી સહિતના વિસ્તારોમાં નુકસાન થયું હતુ. પવનની ઝડપમાં વધારો થવાની આગાહીના પગલે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સલામતીના ભાગરૂપે મગદલ્લા જેટીને બંધ કરી દેવામાં આવી હતી. દરમિયાન સોમવારના રોજ જ્યારે પવનની ઝડપ પ્રતિ કલાક 60થી 70 કિલોમીટર સુધી પહોંચી ત્યારે જામનગરની શ્રીજી શિપિંગ કંપનીનું કોલસા ભરેલું વેસલ્સ જેટી તરફ મધદરિયે પાર્ક કરેલું હતું. આ વેસલ્સમાંથી કોલસો બાર્જમાં ખાલી કરવા માટે ક્રેનને મધદરિયે લઈ જવામાં આવી હતી, પરંતુ જેટી બંધ થવાના કારણે ક્રેનને ત્યાં જ વેસલ્સ સાથે બાંધીને પાર્ક કરી દેવામાં આવી હતી. ભારે પવનને કારણે મધદરિયે પાર્ક કરાયેલી આ ભારેભરખમ ક્રેન હિલોળા ખાવા લાગી હતી. પવનનું જોર એટલું વધારે હતું કે વેસલ્સ સાથે બાંધેલી હોવા છતાં ક્રેનનો આગળનો મુખ્ય ભાગ તૂટીને સમુદ્રમાં ગરકાવ થઈ ગયો હતો.

આ બનાવમાં સદભાગ્યે કોઈ જાનહીની થઈ નથી. ભારે પવનની આગાહીને કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડે જેટી બંધ કરી દીધી હતી. જેને કારણે ક્રેન દ્વારા કોલસો ખાલી કરવાની કામગીરી સંપૂર્ણપણે બંધ હતી. જો કામગીરી ચાલુ હોત, તો ત્યાં હાજર કર્મચારીઓ માટે મોટી જાનહાનિ થઈ શકી હોત. જેટી બંધ હોવાથી સમયસર મોટી દુર્ઘટના ટળી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement