યાત્રાધામ અંબાજીમાં તા.9થી 11 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે પરિક્રમા મહોત્સવ
- ત્રિ-દિવસીય મહોત્સવ માટે ચાલતી તૈયારીઓ
- કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી,
- મહોત્સવ દરમિયાન પાલખી યાત્રા, ઘંટીયાત્રા, ચામર યાત્રા અને ત્રિશુલ યાત્રા યોજાશે
અંબાજીઃ યાત્રાધામ અંબાજી ખાતે આગામી વર્ષે યોજાનાર 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તા. 9થી 11 ફેબ્રુઆરી 2025 દરમિયાન યોજાનારા આ ત્રિ-દિવસીય મહોત્સવનું આયોજન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે.
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં આગામી 9મી ફેબ્રુઆરીથી ત્રિ-દિવસીય પરિક્રમા મહોત્સવ યોજાશે. આ મહોત્સવને સફળ બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં મહોત્સવની વિવિધ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. મહોત્સવ દરમિયાન પાલખી યાત્રા, ધંટીયાત્રા, ચામર યાત્રા, ત્રિશુલ યાત્રા અને મહાશક્તિ યજ્ઞ જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.
અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠના મંદિરોની આબેહુબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે. મહોત્સવ દરમિયાન બનાસકાંઠા અને અન્ય જિલ્લાઓમાંથી દૈનિક 500 જેટલી બસો આવવાની ધારણા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા તમામ યાત્રાળુઓ માટે વિનામૂલ્યે ભોજન વ્યવસ્થા કરવામાં આવશે. બેઠકમાં હંગામી પાર્કિંગ, લાઈટિંગ, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભજન મંડળીઓના આયોજન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે સર્વે માઈ ભક્તોને મહોત્સવમાં પધારવા આમંત્રણ આપ્યું છે.