ધોરણ 10ના વિદ્યાર્થીની હત્યાના બનાવ બાદ સેવન્થ ડે સ્કૂલના પ્રિન્સિપાલને વાલીઓએ ફટકાર્યા
- ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ-10ના વિદ્યાર્થીને કંપાસમાંથી અણિદાર સાધનના ઘા માર્યા.
- શાળામાં ધક્કામુકી જેવી સામાન્ય બાબતમાં ઝગડો થયો હતો,
- સિંધી સમાજના લોકોએ શાળામાં તોડ-ફોડ કરીને હંગામો મચાવ્યો
અમદાવાદઃ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ગઈકાલે મંગળવારે ધક્કામુકી જેવી સામાન્ય બાબતમાં ધો-8ના વિદ્યાર્થીએ ધો-10ના વિદ્યાર્થીને ફિઝીક્સના અણિદાર સાધનના ઘા મારીને હત્યા કરતા ચકચાર મચી ગઈ હતી. આ ઘટનામાં છરીના ઘાથી ગંભીરરીતે ઘવાયેલા વિદ્યાર્થીને તાત્કાલિક મણિનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું. વિદ્યાર્થીના મોત બાદ આક્રોશિત સિંધી સમાજના લોકોએ આજે મોટી સંખ્યામાં સેવન્થ ડે સ્કૂલમાં પહોંચીને ભારે હંગામો મચાવ્યો હતો. શાળાના પ્રિન્સિપાલને સ્ટાફને મારમારીને શાળામાં તોડફોડ કરી હતી.
આ બનાવની વિગતો એવી છે કે, શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં ગઈકાલે મંગળવારે સામાન્ય ધક્કામુકી જેવી બાબતમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ઉશ્કેરાઈને સ્કૂલબેગમાંથી અણિદાર સાધન કાઢીને ધોરણ 10ના વિદ્યાર્થીને ઘા માર્યા હતા. ત્યારબાદ ગંભીરરીતે ઘવાયેલા વિદ્યાર્થીને મણીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત થતાં સિંધી સમાજ રોષે ભરાયો હતો. અને આજે સિંધી સમાજના ઉશ્કેરાયેલા લોકો શાળાએ પહોંચ્યા હતા. સ્કૂલ બહાર 2 હજાર કરતા વધારે લોકો એકઠા થઈ ગયા હતા.અને ટોળું શાળામાં ઘૂસ્યું હતુ અને જે સામે મળ્યું તેને માર માર્યો. પાર્કિંગમાં પડેલી બસો, ગાડીઓ અને ટુ-વ્હીલરમાં ભારે તોડફોડ મચાવી હતી. બાદમાં એક સ્ટાફની બોચી પકડી તેને ઉપરના માળે લઇ ગયા હતા. આ સાથે પ્રિન્સિપાલ અને અન્ય સ્ટાફને પણ મારમાર્યો હતો. શાળાની બિલ્ડિંગના દરવાજા તોડ્યા હતા કાચ તોડીને મિલકતને નુકસાન કર્યું હતુ. સ્થિતિ વણસતા પોલીસ કાફલો શાળાએ દોડી આવ્યો હતો. દરમિયાન લોકોના ટોળાએ પોલીસની સામે પણ સ્ટાફને માર મારવાનું ચાલું રાખ્યું હતું. સ્થિતિ એટલી ભયાનક હતી કે પોલીસ જ્યારે સ્ટાફને બચાવીને લઈ જઈ રહી હતી ત્યારે પણ ટોળું માર મારતું હતું અને પોલીસની ગાડી પણ ટોળાએ ઉંચી કરી નાખી હતી. બાદમાં આક્રોશિત ટોળાએ શાળાની બહાર આવીને રોડ પર બેસીને ચક્કાજામ કર્યો હતો.
આ બનાવની જાણ થતાં મણિનગરના ધારાસભ્ય, ડીસીપી બળદેવ દેસાઈ અને ACP પણ સ્કૂલે દોડી આવ્યા હતા. સાથે જ બજરંગ દળ, VHP, ABVPના કાર્યકર્તાઓ કેસરી ખેસ પહેરી જય શ્રીરામના નારા લગાવી શાળાએ પહોંચ્યા હતા. સ્કૂલ બહાર 2 હજાર કરતા વધારે લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ હાય હાયના નારા લગાવ્યા હતા. પોલીસે લાઠીચાર્જ કરી સ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.