અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઈન શિક્ષણ ચાલુ કરવા વાલીઓએ કર્યો સૂત્રોચ્ચાર
- છેલ્લા એક મહિનાથી બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે,
- ઓનલાઈન શિક્ષણ માટે સતત મોબાઈલ ફોનને લીધે બાળકોની આંખોને નુકસાન,
- ડીઈઓ કહે છે, કમિટીના રિપોર્ટ બાદ શાળા સરૂ કરવા નિર્ણય લેવાશે,
અમદાવાદઃ શહેરના ખોખરામાં આવેલી સેવન્થડે સ્કૂલમાં એકાદ મહિના પહેલા સામાન્ય બાબતમાં વિદ્યાર્થીએ તેના સાથી વિદ્યાર્થીની હત્યા કરી હતી. આ બનાવને પગલે લોકોમાં સ્કૂલના મેનેજમેન્ટ સામે આક્રોશ ઊભો થયો હતો. સરકારે કડક પગલા લઈને શાળામાં ઓફલાઈન શિક્ષણ બંધ કરાવી દીધુ છે. છેલ્લા એકાદ મહિનાથી સેવન્થ ડે શાળાના બાળકો ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. દરેક વાલી પાસે લેપટોપ કે કોમ્પ્યુટરની સગવડ ન હોય મોટાભાગના વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન પર ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણની માગ કરી રહ્યા છે. અને વાલીઓએ હાથમાં પ્લેકાર્ડ અને બેનરો લઈને ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની માગ સાથે પ્રદર્શન કર્યું હતુ.
હાલ સેવન્થ ડે સ્કૂલની સુરક્ષાનો મુદ્દે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ત્યારે વાલીઓએ જિલ્લા શિક્ષણાધિકારીને એવી રજુઆત કરી હતી કે, સરકાર ભલે કોર્ટમાં લડતી રહે પણ અમારા બાળકોના ભવિષ્યનો પ્રશ્ન છે, એટલે સત્વરે ઓફલાઈન શિક્ષણ ચાલુ કરવા મંજુરી આપવી જોઈએ. શિક્ષણાધિકારીએ એવી હૈયાધારણ આપી હતી કે, શાળાની સુરક્ષા માટે કમિટી નિમવામાં આવી છે જેના રિપોર્ટ બાદ ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા અંગે નિર્ણય કરાશે.
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ શાળાને બંધ કરી દેવામાં આવી છે. હત્યાની ઘટના બાદ અત્યાર સુધી શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓનું ભવિષ્ય ના બગડે તે માટે ઓનલાઈન જ અભ્યાસ આપવામાં આવી રહ્યો છે. જેથી ઓનલાઇન અભ્યાસ બંધ કરી ઓફલાઇન અભ્યાસ શરૂ કરવામાં આવે તેવી વાલીઓ માંગ કરી રહ્યા છે. સેવન્થ ડે સ્કૂલ ફરી શરૂ કરવા અને ઑફલાઇન અભ્યાસ શરૂ કરવા માટે વાલીઓ ડીઈઓ કચેરી પહોંચ્યા હતા. બોયકોટ ઓનલાઈન શિક્ષણના બેનર સાથે વાલીઓ અને વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે. તેમજ સેવન્થ ડે સ્કૂલ ફરી કરવામાં આવે તેવી વાલીઓ અને વિદ્યાર્થીઓએ ડીઈઓ સમક્ષ માંગ કરી છે.
સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવા માટે વાલીઓએ થોડા સમય પહેલા પણ ડીઈઓ સમક્ષ રજૂઆત કરી હતી. પરંતુ તે બાદ શાળા ફરી શરૂ કરવા અંગે કોઈ નિર્ણય ના લેવાતા વાલીઓ અને વિદ્યાર્થીઓ ફરી એક વખત ડીઈઓ કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા. વાલીઓ અને વિદ્યાર્થીઓએ ડીઈઓ કચેરી ખાતે ઓનલાઈન શિક્ષણને લઈને વિરોધ નોંધાવ્યો હતો.