ગુજરાત બોર્ડ દ્વારા ધૂળેટીના દિવસે જ ધો.10-12ની પરીક્ષા ગોઠવાતા વાલીઓનો વિરોધ
- બોર્ડ દ્વારા જાહેર રજાઓ જોયા વિના જ પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરાયું,
- 4થી માર્ચના રોજ ધૂળેટીના દિને પણ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા જવું પડશે,
- બોર્ડના છબરડા સામે વાલીઓમાં રોષ
અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં 26મી ફેબ્રુઆરીથી પરીક્ષાનો પ્રારંભ થશે. અને 16મી માર્ચ સુધી પરીક્ષા ચાલશે, બોર્ડના પરીક્ષા વિભાગે જાહેર રજાઓ જોયા વિના જ પરીક્ષાનું સમયપત્રક જાહેર કરી દીધુ છે. તા. 4 માર્ચે ધૂળેટી હોવા છતાં બોર્ડની પરીક્ષાનું પેપર ગોઠવવામાં આવ્યું છે. 4 માર્ચે ધોરણ 10માં સામાજિક વિજ્ઞાન, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ઈતિહાસ, અર્થશાસ્ત્ર, નામાના મૂળતત્વોનું બોર્ડનું પેપર રાખવામાં આવ્યું છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 4 માર્ચે જીવ વિજ્ઞાનનું પેપર લેવાનું ટાઇમેટેબલ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જેમાં બોર્ડના પરીક્ષા વિભાગે જાહેર રજાઓ જોયા વિના જ જાહેર રજાના દિવસે પરીક્ષાનું આયોજન કર્યુ છે.જાહેર રજાના દિવસે બોર્ડનું પેપર રાખવામાં આવતા વાલીઓ અસમંજસમાં મુકાયા છે. જેમાં 4થી માર્ચનો રોજ ધૂળેટીની જાહેર રજાના દિવસે જ બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિરોધ કર્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ પહેલી વખત આ પ્રકારની ભૂલ નથી કરવામાં આવી. અગાઉ પણ વર્ષ 2023માં ચેટી ચાંદના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ રજtઆતના આધારે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જેથી આ વર્ષે પણ ધુળેટીના દિવસે બોર્ડની પરીક્ષાનું પેપર લેવાનું આયોજન કરવામાં આવતા હવે તેમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચ 2026માં યોજાનારી ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડ પરીક્ષાના આવેદનપત્રો ભરવાની તારીખો જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ 7 નવેમ્બર, 2025થી 6 ડિસેમ્બર, 2025 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. બોર્ડ દ્વારા જણાવાયું છે કે, રેગ્યુલર ફી સાથેના ઓનલાઈન આવેદનપત્રો 7 નવેમ્બર, 2025ના રોજ બપોરે 12:00 કલાકથી 6 ડિસેમ્બર, 2025ના રોજ રાત્રીના 12:00 કલાક સુધી બોર્ડની વેબસાઇટ gseb.org પર ભરી શકાશે.