નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 128મી જન્મજયંતી નિમિત્તે પરાક્રમ દિવસ ઉજવશે
નવી દિલ્હીઃ પરાક્રમ દિવસ 2025નાં પ્રસંગે, 23 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી, 2025 દરમિયાન નેતાજી સુભાષ ચંદ્ર બોઝનાં જન્મસ્થળ ઐતિહાસિક શહેર કટકનાં બારાબતી કિલ્લા ખાતે એક ભવ્ય ઉજવણી યોજાવાની છે. આ બહુપક્ષીય ઉજવણી નેતાજીની 128મી જન્મજયંતી નિમિત્તે તેમના વારસાને માન આપશે. 23-25 જાન્યુઆરી, 2025નાં રોજ યોજાનાર આ ત્રણ દિવસીય કાર્યક્રમનું ઉદ્ઘાટન ઓડિશાનાં મુખ્યમંત્રી મોહન ચરણ માંઝી 23.01.2025નાં રોજ કરશે.
નેતાજીની જન્મજયંતીને 'પરાક્રમ દિવસ' તરીકે ઉજવવાનાં સરકારનાં નિર્ણય બાદ તે વર્ષે કોલકાતાનાં વિક્ટોરિયા મેમોરિયલ ખાતે પ્રથમ પરાક્રમ દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. 2022માં નવી દિલ્હીનાં ઇન્ડિયા ગેટ ખાતે નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ થયું હતું; અને 2023માં, આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહનાં 21 અનામી ટાપુઓનું નામ 21 પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતાઓનાં નામ પર રાખવામાં આવ્યું હતું. 2024માં, પ્રધાનમંત્રીએ દિલ્હીનાં ઐતિહાસિક લાલ કિલ્લા ખાતે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું, જે INA ટ્રાયલનું સ્થળ હતું.
આ પરંપરા ચાલુ રાખીને આ વર્ષે સંસ્કૃતિ મંત્રાલય દ્વારા નેતાજીનાં જન્મસ્થળ અને તેમની પ્રારંભિક સંવેદનાઓને આકાર આપનાર શહેર કટક ખાતે પરાક્રમ દિવસ ઉજવણીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્રણ દિવસીય કાર્યક્રમની શરૂઆત ઓડિશાનાં મુખ્યમંત્રી અને અન્ય મહાનુભાવો નેતાજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને અને નેતાજીનાં જન્મસ્થળ પર રાષ્ટ્રધ્વજ ફરકાવીને કરશે. જેને હવે તેમને સમર્પિત સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ, બારાબતી કિલ્લા ખાતે પરાક્રમ દિવસની ઉજવણી પ્રધાનમંત્રીનાં વિડીયો સંદેશથી શરૂ થશે અને નેતાજીનાં જીવન પર કેન્દ્રિત એક પુસ્તક, ફોટો અને આર્કાઇવલ પ્રદર્શન રજૂ કરવામાં આવશે. જેમાં દુર્લભ ફોટોગ્રાફ્સ, પત્રો અને દસ્તાવેજો તેમજ તેમની નોંધપાત્ર યાત્રાને વર્ણવતા AR/VR પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે એક શિલ્પ વર્કશોપ અને ચિત્ર સ્પર્ધા-સહ-વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં નેતાજીનાં વારસાને માન આપતા અને ઓડિશાની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાને ઉજાગર કરતા સાંસ્કૃતિક પ્રદર્શન પણ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત, કાર્યક્રમ દરમિયાન નેતાજીનાં જીવન પરની ફિલ્મો પણ દર્શાવવામાં આવશે.