ગુજરાતના નવા ચીફ સેક્રેટરી તરીકે પંકજ જોશીની નિમણૂંક
અમદાવાદઃ ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમાર આગામી 31મી જાન્યુઆરીના રોજ ભારતીય વહીવટી સેવાઓમાંથી નિવૃત થઈ રહ્યાં છે. જેથી તેમને છ મહિનાનું એક્સટેન્શન આપવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી હતી. દરમિયાન આજે સરકાર દ્વારા રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીની નિમણુંક કરવામાં આવી છે.
ગુજરાત સરકાર સામાન્ય વહીવટ વિભાગ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંજક જોશીને બદલી સાથે બદલી કરવામાં આવે છે. તેમની ગુજરાત સરકારના મુખ્ય સચિવ તરીકે નિમણુંક કરવામાં આવી છે. પંકજ જોશી મૂળ ઉત્તરાખંડ રાજ્યના છે જેઓ એ ભારતીય સનદી સેવા IAS ની 1989 બેચમાં ગુજરાત કેડરમાં જોડાયા હતા. પંકજ જોશી હાલમાં સી.એમ.ઓ.માં કાર્યરત છે. અગાઉ પણ તેઓ સી.એમ.ઓ.માં એ.સી.એસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પંકજ જોશી અગાઉ નાણાં વિભાગ, એનર્જી અને પેટ્રોકેમિકલ વિભાગના પણ એ.સી.એસ રહી ચૂક્યા છે. પ્રાંત કલેક્ટરથી શરૂ થઈ તેઓ રાજ્યના મુખ્ય સચિવ બની રહ્યા છે. તેઓ સુરત કલેક્ટર અને સુરત કમિશનર તરીકે રહી ચૂક્યા છે.