ગુજરાત વીજળી નિયમન પંચના ચેરમેન તરીકે પંકજ જોશીની નિયુક્તિ
ગાંધીનગર, 10 ડિસેમ્બર, 2025ઃ Pankaj Joshi રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ પંકજ જોશીને ગુજરાત વીજળી નિયમન પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
ગુજરાત વીજળી નિયમન પંચના અધ્યક્ષની નિમણૂક માટે યોગ્ય નામોની ભલામણ કરવા માટે રાજ્ય સરકારે એક પસંદગી સમિતિની રચના કરી હતી. પસંદગી સમિતિએ યોગ્ય પ્રક્રિયા બાદ આ હોદ્દા ઉપર નિયુક્તિ માટે રાજ્ય સરકારને વિચારણા માટે બે નામોની પેનલની ભલામણ કરી હતી. સમિતિની ભલામણને પગલે રાજ્ય સરકારે પંકજ જોશીને ગુજરાત વીજળી નિયમન પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કર્યા છે.
ગુજરાત વીજળી નિયમન પંચ (GERC) એ ગુજરાતના વીજળી ક્ષેત્રનું નિયમન કરતી સ્વતંત્ર સંસ્થા છે. તેની રચના ભારતના વીજળી અધિનિયમ, 2003 હેઠળ કરવામાં આવી છે. આ પંચનો ઉદ્દેશ્ય કાર્યક્ષમ નિયમન અને ગ્રાહક સુરક્ષા, ટેરિફ નક્કી કરવા, પુરવઠો સુનિશ્ચિત કરવા અને પુનઃપ્રાપ્ય ઊર્જાને પ્રોત્સાહન આપવાનો છે.
1989ની ગુજરાત કેડરના નિવૃત્ત IAS અધિકારી પંકજ જોશીએ અગાઉ ગુજરાતના મુખ્ય સચિવ તરીકે સેવા આપી હતી. તેમને કાર્યકાળ પૂરો થયા બાદ એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. આ એક્સટેન્શન પણ ગત ઓક્ટોબરમાં સમાપ્ત થયું હતું. આમ હવે તેમની નિવૃત્તિના લગભગ દોઢ મહિના પછી તેમને ગુજરાત વીજળી નિયમન પંચના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.