પંચમહાલઃ જૈન દેરાસરની 3 મૂર્તિઓ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી
વડોદરાઃ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના ધનેશ્વર ગામમાં આવેલા જૈન દેરાસરની 3 મૂર્તિઓ અજાણ્યા ઈસમોએ ખંડિત કરી છે. મંદિરના પૂજારીની ફરિયાદના આધારે રાજગઢ મથકના પોલીસ કર્મીઓએ અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વિજય ઈન્દ્રજગત વિદ્યાલય ધનેશ્વરના મેદાનમાં આવેલુ છે આ જૈન દેરાસર. આ મંદિર વિજય વલ્લભ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત છે. જૈન દેરાસરમાં શાળામાં સેવક તરીકે ફરજ બજાવતા વ્યક્તિ જ પૂજા પાઠ કરી પૂજારી તરીકે પણ ફરજ બજાવતા હતા. જેઓને શાળાના મેદાનમાં ક્રિકેટ રમવા આવેલા વિદ્યાર્થીઓ મારફતે જાણ થઈ હતી કે જૈન દેરાસરમાં રાખવામાં આવેલી અલગ અલગ ત્રણ મૂર્તિઓ ખંડિત અવસ્થામાં છે.
પૂજારીને દજામ થતા પૂજારી મંદિરમાં પહોંચ્યા હતા અને તપાસ કરતા મંદિરની બહાર રાખવામાં આવેલી બે મૂર્તિઓ અને મંદિરના ગર્ભગૃહનો દરવાજો તોડી અને અંદર પ્રવેશી મંદિરના ગર્ભગૃહમાં રાખવામાં આવેલી મંદિરની મુખ્ય મૂર્તિ પણ ખંડિત કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાની જાણ શાળાના આચાર્યને કર્યા બાદ મંદિરના ટ્રસ્ટીઓને પણ જાણ કરવામાં આવી હતી.
પૂજારીની ફરિયાદ બાદ રાત્રિ દરમિયાન જ સ્થાનિક પોલીસ મથકની ટીમો સાથે મંદિર ખાતે તપાસ કરવામાં આવી હતી સાથે સાથે LCBની ટીમે પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે શાળા કમ્પાઉન્ડમાં લગાવવામાં આવેલા CCTV પણ ચેક કરવામાં આવ્યા હતા જો કે CCTV મંદિરથી ખૂબ જ દૂર લાગેલા હોવાથી કઈ જાણી શકાયું નથી. પોલીસે સમગ્ર મામલે શંકાસ્પદ જણાતા ઈસમોની પણ પૂછપરછ હાથ ધરી હતી.