સરક્રીકમાં પાકિસ્તાનના દુસ્સાહસને કડક જવાબ મળશે: રાજનાથ સિંહ
ભૂજઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે ગુરુવારે ચેતવણી આપી કે સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાન કોઈપણ પ્રકારનો દુસ્સાહસ કરશે, તો ભારત એવો નિર્ણાયક જવાબ આપશે કે ઇતિહાસ અને ભૂગોળ બંને બદલાઈ જશે.
કચ્છના લક્કી નાળા સૈનિક છાવણી ખાતે વિજયાદશમીના અવસર પર યોજાયેલા બહુ-એજન્સી ક્ષમતા અભ્યાસ અને શસ્ત્ર પૂજન કાર્યક્રમમાં ભાગ લઈ તેમણે કહ્યું કે, ભારતે વારંવાર વાતચીત દ્વારા સરહદી વિવાદ ઉકેલવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ પાકિસ્તાનની નીતિ અસષ્ટ રહી છે અને તાજેતરમાં સરહદ નજીક તેનો સૈન્ય જામાવડો ચિંતાજનક છે.
તેમણે કહ્યું કે ભારતીય સેના અને બીએસએફ સતર્કતા પૂર્વક દેશની સરહદોની રક્ષા કરી રહી છે. “જો સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાન તરફથી દુસ્સાહસ કરવામાં આવશે, તો તેને એવો જવાબ અપાશે કે પાકિસ્તાનને 1965ના યુદ્ધની યાદ આવી જશે. કરાચી જવાનો એક માર્ગ સરક્રીકમાંથી પણ પસાર થાય છે, એ પાકિસ્તાન યાદ રાખે,” એમ સિંહે સ્પષ્ટ કર્યું હતું.
રક્ષામંત્રીએ 'ઓપરેશન સિંદૂર'નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ કર્યા અને તેની એર ડિફેન્સ સિસ્ટમને બેનકાબ કરી હતી. તેમણે કહ્યું કે “અમારી કાર્યવાહીનો હેતુ આતંકવાદ વિરુદ્ધ હતો, યુદ્ધ શરૂ કરવાનો નહીં.”
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો વધારે તંગ બન્યાં છે. તેમજ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવીને તેનો નાશ કર્યો હતો. જે બાદ પાકિસ્તાન આર્મીએ ભારત ઉપર હુમલો કર્યો હતો. જેનો ભારતે તેની ભાષામાં જ જવાબ આપ્યો હતો. એટલું જ નહીં પાકિસ્તાન દ્વારા સિઝફાયરનો પ્રસ્તાવ મુક્યો હતો.