પાકિસ્તાનનો વિસ્ફોટક બેસ્ટમેન ફકર ઝમાન લેશે ક્રિકેટમાંથી નિવૃત્તિ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના પહેલા રાઉન્ડમાંથી બહાર થવાના દુખમાંથી પાકિસ્તાન ક્રિકેટ ટીમ હજુ બહાર થઈ નથી કે તેને વધુ એક મોટો ફટકો પડી શકે છે. પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન ફખર ઝમાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેના પછી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે તે નિવૃત્તિ લેવાનો છે. ફખર ઝમાન 2025 ચેમ્પિયન્સ ટ્રોફી ટીમનો ભાગ હતો, પરંતુ પહેલી મેચમાં ઈજાને કારણે તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો.
પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાન ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયા હતા પરંતુ હવે અહેવાલો અનુસાર, તે નિવૃત્તિ લેવાનું વિચારી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 34 વર્ષીય ફખરે હવે નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે. જોકે ફખરે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ તેણે સોશિયલ મીડિયા પર કંઈક એવું લખ્યું છે જેનાથી તેની નિવૃત્તિના સમાચારને વેગ મળ્યો છે.
પાકિસ્તાનના સ્ટાર ક્રિકેટર ફખર ઝમાને ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને લખ્યું કે, સૌથી મોટા મંચ પર પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવું એ આ દેશના દરેક ક્રિકેટર માટે એક સ્વપ્ન જેવું છે અને તે એક સન્માનની વાત છે. મને ગર્વ છે કે મને ઘણી વખત પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કરવાનો લહાવો મળ્યો છે. કમનસીબે હું હવે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર થઈ ગયો છું, પરંતુ ચોક્કસ અલ્લાહ દરેક માટે શ્રેષ્ઠ યોજના ધરાવે છે. હું આ તક માટે ખૂબ આભારી છું. હવે હું ઘરે બેસીને લીલા કપડાં પહેરીને મારી ટીમને સપોર્ટ કરીશ. આ તો ફક્ત શરૂઆત છે, આ આંચકા કરતાં પુનરાગમન વધુ મજબૂત હશે.