પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા આસિફનો ઇઝરાયેલ અને ભારત સામે આક્ષેપ કર્યા
ઇસ્લામાબાદ: પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા મહમ્મદ આસિફે કતાર પર થયેલા હુમલાને લઇ ભારતના મિત્ર રાષ્ટ્ર ઇઝરાયેલની કડક ટીકા કરી છે. આસિફે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર પોસ્ટ કરીને વિશ્વના અન્ય મુસ્લિમ દેશોને પણ ઇઝરાયેલ વિરુદ્ધ એક થવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું કે મુસ્લિમ દેશોએ પોતાની આર્થિક શક્તિનો ઉપયોગ કરી આ "દુષ્ટ રાષ્ટ્ર" ઇઝરાયેલનો સામનો કરવો જોઈએ.
આસિફે જણાવ્યું કે, "મુસ્લિમ દેશો માટે હવે સમય આવી ગયો છે કે તેઓ એકતાબદ્ધ થઈ ઇઝરાયેલ સામે લડે, જે સીધું મુસ્લિમ દુનિયાને જ નિશાન બનાવી રહ્યું છે. ઇઝરાયેલ માટે નરમ વલણ અપનાવવું એ મોટી ભૂલ સાબિત થશે."
ઇઝરાયેલની ટીકા કરતાં આસિફે ભારત વિરુદ્ધ પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો કે ગયા મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષમાં ઇસ્લામાબાદે પોતાની "મજબૂત સરકાર અને સશસ્ત્ર દળોની શક્તિ"ના કારણે સફળતા મેળવી હતી. આસિફે કહ્યું, "આર્થિક રીતે નબળું હોવા છતાં પાકિસ્તાનએ પોતાના કરતા પાંચ ગણો મોટો દેશ ભારતનો સામનો કર્યો અને તેને પાઠ પણ શીખવ્યો." તેમણે ઉમેર્યું કે, સુરક્ષાની કોઈ બાહ્ય ખાતરી નથી, બહારથી મળતી મદદ મહત્વપૂર્ણ છે, પરંતુ સાચી શક્તિ તો અંદરથી આવે છે અને ક્યારેય ન હારવાની ક્ષમતા જ અગત્યની છે.
પરમાણુ શક્તિ ધરાવતા ભારત અને પાકિસ્તાન વચ્ચે ત્રણ દાયકાઓ પછી આ વર્ષે મે મહિનામાં સૌથી ભયંકર સંઘર્ષ થયો હતો. ચાર દિવસ ચાલેલી આ અથડામણ બાદ જ યુદ્ધવિરામની ઘોષણા થઈ હતી. આ દરમિયાન બંને દેશોએ સૈંકડો ડ્રોન, મિસાઇલ અને ફાઇટર જેટ વડે હુમલા કર્યા હતા. સત્તાવાર આંકડા મુજબ આ સંઘર્ષમાં 60થી વધુ લોકોના મોત થયા હતા.