જેસલમેરમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો, ISIને લશ્કરી માહિતી પહોંચાડતો હતો
જેસલમેરઃ રાજસ્થાનની CID ઇન્ટેલિજન્સે પાકિસ્તાની જાસૂસ હનીફ ખાનને જેસલમેરમાંથી ઝડપી પાડ્યો છે. પૈસાની લાલચમાં આવીને તે ભારતીય સેના સંબંધિત ગુપ્ત માહિતી પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI સુધી પહોંચાડતો હતો. CID ઇન્ટેલિજન્સની ટીમે સતત દેખરેખ દરમિયાન હનીફ ખાનની પ્રવૃત્તિઓ શંકાસ્પદ જણાતાં તપાસ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે તે સોશિયલ મીડિયા મારફતે પાકિસ્તાની એજન્સીઓ સાથે સતત સંપર્કમાં હતો.
જેસલમેર જિલ્લાના બહલા ગામનો રહેવાસી હનીફ ખાન સરહદ વિસ્તારના અનેક વિસ્તારોમાં અવરજવર કરતો હતો. પૂછપરછમાં ખુલ્યું કે તેની પાસે મહત્વપૂર્ણ લશ્કરી સ્થાપનો અને સૈનિકોની હિલચાલ અંગેની માહિતી હતી. તેણે ઓપરેશન સિંદૂર દરમિયાન પણ પાકિસ્તાની હેન્ડલર્સને સૈન્ય ગતિવિધિઓ અંગે માહિતી આપી હતી. જયપુરના સેન્ટ્રલ ઇન્ટરોગેશન સેન્ટરમાં વિવિધ એજન્સીઓ દ્વારા પૂછપરછમાં સાબિત થયું કે હનીફ ખાન પૈસાના બદલામાં લશ્કરી વ્યૂહાત્મક માહિતી ISI સુધી પહોંચાડતો હતો. મોબાઇલ ટેકનિકલ તપાસમાં પણ આ પુરાવા મળ્યા હતા. આ પુરાવા મળ્યા બાદ CID ઇન્ટેલિજન્સે સ્ટેટ સિક્રેટ્સ એક્ટ, 1923 હેઠળ કેસ નોંધ્યો અને 25 સપ્ટેમ્બરના રોજ તેની ધરપકડ કરી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2025માં જેસલમેરમાંથી જાસૂસીના આરોપસર આ ચોથી ધરપકડ છે.