ખૈબર પખ્તુનખ્વામાં પાકિસ્તાની સુરક્ષાદળોએ 10 આતંકવાદીઓને ઠાર માર્યાં
નવી દિલ્હીઃ પાકિસ્તાની સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં ગુપ્ત માહિતી આધારિત કાર્યવાહી કરીને 10 આતંકવાદીઓને ઠાર માર્યા છે. ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) ના એક નિવેદન અનુસાર, આતંકવાદી પ્રવૃત્તિઓ વિશે ગુપ્ત માહિતી મળ્યા બાદ બાગ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો સાથેની અથડામણમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આ પહેલા સુરક્ષા દળોએ ખૈબર પખ્તુનખ્વાના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાં બે ઓપરેશન શરૂ કર્યા હતા. સુરક્ષા દળોએ એક દિવસ પહેલા જ સાત આતંકવાદીઓને ઠાર માર્યા હતા જ્યારે ગયા અઠવાડિયે દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લામાં એક કાર્યવાહીમાં 30 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતા.
દરમિયાન બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ પંજાબ અને જમ્મુમાં ભારત-પાકિસ્તાન સરહદ પર તેની ચોકીઓ પર વધારાના સૈનિકો તૈનાત કરવાનો આદેશ આપ્યો છે. ઘૂસણખોરી વિરોધી પ્રણાલીને મજબૂત બનાવવા અને દારૂગોળો કે માદક દ્રવ્યોનું વહન કરતા ડ્રોનને અટકાવવા માટે બીએસએફ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે ચંદીગઢ સ્થિત બોર્ડર સિક્યુરિટી ફોર્સના વેસ્ટર્ન કમાન્ડે પણ આ બંને વિસ્તારોમાં આગળના મોરચે નવ 'વ્યૂહાત્મક' મુખ્યાલય સ્થાપવાનો નિર્દેશ આપ્યો છે. આ વિસ્તારોમાં મહત્તમ ગુપ્ત માહિતી અને ઓપરેશનલ લોજિસ્ટિક્સ અહીં નવા બનેલા કંટ્રોલ રૂમની દેખરેખ હેઠળ 'શિફ્ટ' કરવામાં આવી રહી છે.