પાકિસ્તાની સત્તાધીશો એલોન મસ્ક પાસે મંગાવા માંગે છે માફી, જાણો કારણ
પાકિસ્તાન હાલ નાણાકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. પાકિસ્તાન સરકાર પાસે દેશ ચલાવવા માટે પૈસા નથી. એટલું જ નહીં, પાકિસ્તાની વડા પ્રધાન શાહબાઝ શરીફ વારંવાર IMF અને વિશ્વ બેંક જેવી સંસ્થાઓ પાસેથી પૈસા માંગતા રહે છે. પાકિસ્તાનની હાલત ખરાબ હોવા છતાં, આ દેશ પર શાસન કરનારાઓનું અભિમાન જેમ હતુ તેમ જ હોય તેવુ લાગી રહ્યું છે, કારણ કે પાકિસ્તાન સરકારની એક સમિતિ સામાન્ય વાત માટે એલોન મસ્ક પાસેથી માફી માંગવા માંગે છે.
ઇંગ્લેન્ડના રોધરહામ શહેરમાં એક એવો કિસ્સો બહાર આવ્યો હતો જેમાં એક ગેંગે 16 વર્ષથી ઓછી ઉંમરની 1400 છોકરીઓને ડ્રગ્સ આપીને તેમની ઉપર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે ગેંગના મોટાભાગના લોકો દક્ષિણ એશિયાઈ મૂળના છે. આ લોકોમાં સૌથી વધુ સંખ્યા પાકિસ્તાની મૂળના લોકોની હતી. આ મામલે મસ્કે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પાકિસ્તાની મૂળના આવા લોકોની ટીકા કરી હતી. આ પછી, જ્યારે ભારતના રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ X પર લખ્યું કે આ ગેંગ એશિયન ગ્રુમિંગ ગેંગ નથી પરંતુ પાકિસ્તાની ગ્રુમિંગ ગેંગ છે. એક સંપૂર્ણપણે દુષ્ટ રાષ્ટ્ર હોવાનો આ આરોપ સમગ્ર એશિયાઈ લોકોએ શા માટે સહન કરવો જોઈએ? તો આના જવાબમાં એલોન મસ્કે પણ 'સાચું' લખ્યું હતું. પાકિસ્તાની સાંસદો ફક્ત આ બાબતને લઈને મસ્કથી નારાજ છે.
એલોન મસ્કની સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ કંપનીને પાકિસ્તાનમાં કામ કરવા માટે લાયસન્સની જરૂર છે, તેમજ તે હજુ પણ પાકિસ્તાન સરકારની મંજૂરીની રાહ જોઈ રહી છે. આ માટે, પાકિસ્તાન સેનેટની માહિતી ટેકનોલોજી અને દૂરસંચાર સમિતિએ સ્ટારલિંકના લાઇસન્સ અંગે ચર્ચા કરવા માટે એક બેઠક બોલાવી હતી. આ જ બેઠકમાં, સાંસદોએ સૌપ્રથમ મસ્ક પાસેથી તેમની ટિપ્પણીઓ બદલ માફી માંગવાનો મુદ્દો ઉઠાવ્યો હતો.
સમિતિના અધ્યક્ષ પલ્લવશા મોહમ્મદ ઝાઈ ખાને જણાવ્યું હતું કે ચર્ચા પહેલા ઘણા સાંસદોએ 'X' પર મસ્કની ટિપ્પણીઓની ટીકા કરી હતી. આ ટિપ્પણીઓને 'પાકિસ્તાન વિરોધી' માનવામાં આવતી હતી. પલ્લવશા ખાને જણાવ્યું હતું કે સમિતિના સભ્યોએ કહ્યું હતું કે સ્ટારલિંકને માફીની શરતે લાઇસન્સ આપવું જોઈએ. જોકે, પાછળથી પલ્લવશા ખાને સ્પષ્ટતા કરી કે અમે એવું નથી કહી રહ્યા કે આ શરત હોવી જોઈએ, પરંતુ તે ચર્ચાનો ભાગ હતો અને અમે ફક્ત સરકારને અમારી ભલામણો આપી શકીએ છીએ.