પહેલગામ હુમલા બાદ પાકિસ્તાનની અભિનેત્રી હાનિયા આમીરના બોલીવુડના તમામ પ્રોજેક્ટ પડતા મુકાશે
પહેલગામ આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ લોકોના મોતથી આખા દેશમાં ગુસ્સો છે. લોકો આ ઘૃણાસ્પદ કૃત્ય માટે પાકિસ્તાનને પાઠ ભણાવવાની માંગ કરી રહ્યા છે. આ બધા વચ્ચે, પાકિસ્તાની કલાકારોના ભારતીય પ્રોજેક્ટ્સનો પણ બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં, ફવાદ ખાનની બોલિવૂડ કમબેક ફિલ્મ અબીર ગુલાલ પર ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે, પહેલગામ આતંકવાદી હુમલા પછી, વધુ એક પાકિસ્તાની અભિનેત્રીનું બોલિવૂડમાં ડેબ્યૂ કરવાનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું છે. તેના ઘણા પ્રોજેક્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો પરંતુ સમય જતાં આ કડકાઈ હળવી થતી ગઈ હતી પરંતુ પહેલગામ આતંકવાદી હુમલાએ ફરી એકવાર ઘા તાજા કર્યા છે અને હવે ભારતમાં ફરી એકવાર પાકિસ્તાની સ્ટાર્સનો બહિષ્કાર શરૂ થયો છે. ફવાદ ખાનની ફિલ્મ અબીર ગુલાલ પર રિલીઝના બે અઠવાડિયા પહેલા ભારતમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જ્યારે પાકિસ્તાની અભિનેત્રી હાનિયા આમિરના ઘણા ભારતીય પ્રોજેક્ટ્સ પણ આ આતંકવાદી હુમલાથી પ્રભાવિત થયા છે.
હાનિયા પંજાબી અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝ સાથે આમિર ખાનની ફિલ્મ સરદાર જી 3 કરવાની હતી પરંતુ પહેલગામ હુમલા પછી, આ ફિલ્મ રદ થઈ શકે છે. આ ઉપરાંત, હનિયાના ઘણા પ્રોજેક્ટ્સ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે, જેના કારણે પાકિસ્તાની અભિનેત્રીને કરોડોનું નુકસાન સહન કરવું પડી શકે છે. હાનિયા આમિર ભારતમાં ખૂબ જ લોકપ્રિય થઈ રહી હતી. રેપર બાદશાહ સાથે તેના સંબંધોની અફવાઓ પણ હતી.
વરુણ ધવન સાથેનું તેનું ફોટોશૂટ પણ સમાચારમાં રહ્યું હતું. તેણે સોશિયલ મીડિયા પર ઘણા ભારતીય કલાકારો સાથેની પોતાની મિત્રતાની ઝલક પણ શેર કરી હતી. એટલું જ નહીં, ઘણી વખત તેણીએ બિંદી પહેરેલી પોતાની તસવીરો પોસ્ટ કરી હતી અને બોલિવૂડ ગીતો પર નાચતી રીલ્સ પણ શેર કરી હતી જેથી તે ભારતીય લોકો સાથે જોડાઈ શકે. પરંતુ પહેલગામ આતંકવાદી હુમલાએ તેમનો સમગ્ર પીઆર ગેમ બગાડી નાખ્યો છે.