પાકિસ્તાની અભિનેતા ફવાદની ફિલ્મ અબીર ગુલાલ ભારતમાં રિલીઝ નહીં થાય
નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા વચ્ચે, પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાનની આગામી ફિલ્મ અબીર ગુલાલનો ઘણો વિરોધ થઈ રહ્યો હતો. લોકો સોશિયલ મીડિયા પર ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી રહ્યા હતા. હવે સરકારે આ અંગે એક મોટો નિર્ણય લીધો છે. જે મુજબ આ ફિલ્મ હવે ભારતમાં રિલીઝ થશે નહીં. માહિતી અને પ્રસારણ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાની અભિનેતા ફવાદ ખાન અભિનીત ફિલ્મ 'અબીર ગુલાલ' ભારતમાં રિલીઝ થવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આરતી એસ બાગડી દ્વારા દિગ્દર્શિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ અબીર ગુલાલ 9 મેના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. જોકે, મંગળવારે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની હૃદયદ્રાવક ઘટના બાદ લોકોના એક વર્ગે સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી છે. એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે, "અબીર ગુલાલને ભારતના કોઈપણ થિયેટરમાં રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં." બીજા એક વ્યક્તિએ લખ્યું: "શું આપણે હજુ પણ ભારતમાં પાકિસ્તાની કલાકારો સાથે અબીર ગુલાલ જેવી ફિલ્મો બનવા દઈશું?"
આ પહેલા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ પણ ફવાદ ખાનની ફિલ્મનો વિરોધ કર્યો હતો. અબીર ગુલાલ પહેલા ફવાદ ખાન કપૂર એન્ડ સન્સ, એ દિલ હૈ મુશ્કિલ, બહુસુરત જેવી બોલિવૂડ ફિલ્મોમાં પણ જોવા મળી ચૂક્યો છે. ઉરી હુમલા પછી, ભારતમાં પાકિસ્તાની કલાકારો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જો કે, ઉરી હુમલા બાદ પાકિસ્તાની કલાકારો ઉપર પ્રતિબંધ મુકવાની માંગણી ઉઠતા બોલીવુડના અનેક કલાકારોએ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. એટલું જ નહીં તાજેતરમાં જ સુષ્મિતા સેને પાકિસ્તાની કલાકારની ફિલ્મના રિલીઝને સમર્થન આપ્યું હતું.