આતંકવાદને સમર્થન આપનારુ પાકિસ્તાન હવે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહ્યું છેઃ સીએમ યોગી
લખનૌઃ ભારતની તાજેતરની બદલો લેવાની કાર્યવાહીમાં માર્યા ગયેલા આતંકવાદીઓને પાકિસ્તાનનો ખુલ્લેઆમ ટેકો એ સાબિત કરે છે કે દેશ માત્ર આતંકવાદનો આશ્રયદાતા નથી પરંતુ હવે "પોતાના અસ્તિત્વ માટે લડી રહ્યો છે." તેમ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું હતું.
મહારાણા પ્રતાપની જન્મજયંતિ નિમિત્તે લખનૌમાં એક સભાને સંબોધતા આદિત્યનાથે કહ્યું, "ભારતની કાર્યવાહી પછી, જ્યારે આતંકવાદીઓ માર્યા ગયા, ત્યારે પાકિસ્તાનના ટોચના લશ્કરી અધિકારીઓ અને રાજકારણીઓ તેમના અંતિમ સંસ્કારમાં જોડાયા. આ બેશરમ પ્રદર્શનથી દુનિયાની આંખો ખુલી જવી જોઈએ."
તેમણે કહ્યું, "પાકિસ્તાન ફક્ત આતંકવાદને આશ્રય આપી રહ્યું નથી, તે તેમાં સીધી રીતે સંડોવાયેલું છે. તેની સંડોવણી હવે એટલી સ્પષ્ટ થઈ ગઈ છે કે તેને પોતાના અસ્તિત્વ માટે લડવું પડશે." 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે ભારતે યોગ્ય જવાબ આપવાનો સંકલ્પ કર્યો છે.
તેમણે કહ્યું, "તમે બધાએ જોયું હશે કે આપણા પ્રવાસીઓ પર કેટલી ક્રૂરતાથી હુમલો કરવામાં આવ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દૃઢ સંકલ્પ લીધો અને આપણા બહાદુર સૈનિકોએ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો." આદિત્યનાથે લોકોને "પરીક્ષાના આ સમયમાં" રાષ્ટ્રીય એકતા જાળવવા અને સશસ્ત્ર દળોને ટેકો આપવા વિનંતી કરી.
તેમણે કહ્યું, "દરેક ભારતીયે જવાબદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ. જો કોઈ તોફાની તત્વ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરે છે, તો આપણે સતર્ક રહેવું જોઈએ અને રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકતા કોઈપણ કૃત્યનો પર્દાફાશ કરવો જોઈએ." તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ફેલાતી ખોટી માહિતી અંગે પણ ચેતવણી આપી. મુખ્યમંત્રીએ કહ્યું, "અફવાઓ ફેલાવવાના પ્રયાસો થશે. પરંતુ આપણે આવા ઘોંઘાટને અવગણીને વડા પ્રધાન મોદી સાથે ચાલવું જોઈએ. ભારત જીતશે - તેમાં કોઈ શંકા નથી."