પાકિસ્તાનઃ ટ્રેન હાઈજેકના પીડિતોને પીએમ શાહબાઝ શરીફ મળ્યા, ખબર અંતર પૂછ્યાં
પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બલુચિસ્તાનની મુલાકાત લીધી હતી. તેમજ શેહબાઝ શરીફ જાફર એક્સપ્રેસ હાઇજેક કેસના પીડિતોને મળ્યા હતા. આ ઉપરાંત, તેઓ બચાવ કામગીરીમાં સામેલ કમાન્ડોને પણ મળ્યા હતા, જેમણે 300 થી વધુ મુસાફરોને બચાવ્યા હતા. શાહબાઝ શરીફની સાથે નાયબ વડા પ્રધાન મોહમ્મદ ઇશાક ડાર, પાકિસ્તાનના સંઘીય માહિતી અને પ્રસારણ પ્રધાન અતાઉલ્લાહ તરાર, વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન નવાબઝાદા મીર ખાલિદ મગસી અને અન્ય અધિકારીઓ પણ હતા.
જાફર એક્સપ્રેસ પર હુમલો મંગળવારે શરૂ થયો જ્યારે બલુચિસ્તાન લિબરેશન આર્મી (BLA) ના લડવૈયાઓએ રેલ્વે ટ્રેક ઉડાવી દીધા હતા. હુમલા બાદ, ગુડલર અને પીરુ કુનરી નજીકના પહાડી વિસ્તારમાં જાફર એક્સપ્રેસના 9 કોચ અને એન્જિન એક સુરંગમાં ફસાઈ ગયા. આ પછી, BLA લડવૈયાઓએ ટ્રેનના ડબ્બામાં પ્રવેશતા પહેલા ટ્રેનની બારીઓ પર ગોળીઓ ચલાવી હતી. આ હુમલામાં ઘણા મુસાફરોએ જીવ ગુમાવ્યા, જ્યારે ઘણા ઘાયલ થયા અને અન્ય લોકોને BLA દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા. જાફર એક્સપ્રેસના અપહરણ પછી, પાકિસ્તાન સેનાએ બે દિવસનું બચાવ અભિયાન શરૂ કર્યું હતું જે તમામ 33 BLA લડવૈયાઓના મોત સાથે સમાપ્ત થયું હોવાનું ચર્ચાય રહ્યું છે.