પાકિસ્તાન: ચાલુ સિઝનમાં ભારે વરસાદથી કુલ 266 લોકોના મોત
પાકિસ્તાનમાં ભારે વરસાદનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં વધુ 8 લોકોના મોત થયા છે, જેથી કુલ મૃત્યુઆંક 266 સુધી પહોંચી ગયો છે. આ માહિતી પાકિસ્તાનની રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન પ્રાધિકરણ (NDMA)દ્વારા જાહેર કરવામાં આવી છે. અહેવાલ મુજબ, તાજેતરના આઠ મોતમાંથી ત્રણ ખૈબર પખ્તૂનખ્વામાં થયા છે. જ્યાં પાંચ લોકો ઘાયલ પણ થયા છે. જ્યારે, ઈસ્લામાબાદ અને પાકિસ્તાન અધિકૃત ગિલગિત-બાલ્ટિસ્તાનમાં બે-બે લોકોના મોત થયા છે અને સિંધમાં એક વ્યક્તિનું મોત થયું છે.
હવામાન વિભાગ મુજબ, મોનસૂન સીઝનની શરૂઆત જૂનના અંતમાં થઈ હતી અને ત્યારથી આજદિન સુધી દેશમાં કુલ 266 લોકોના મોત થયા છે, જેમાં 94 પુરુષો, 46 મહિલાઓ અને 126 બાળકોનો સમાવેશ થાય છે. જ્યારે 628 લોકો વરસાદ અને સંબંધિત ઘટનામાં ઘાયલ થયા છે. પંજાબ પ્રાંત હાલમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં 144 મોત અને 488 ઘાયલ નોંધાયા છે. તાજેતરમાં રાવલપિંડીમાં આવેલ પૂર પછી જિલ્લા પ્રશાસને શહેરના 19 શહેરી વિસ્તારોને ફ્લેશ ફ્લડની દ્રષ્ટિએ અતિસંવેદનશીલ જાહેર કર્યા છે.
ડેપ્યુટી કમિશ્નર હસન વકાર ચીમાએ સંબંધિત વિસ્તારોમાં સહાયક કલેક્ટરો, તહસીલદારો અને વિભાગીય અધિકારીઓને દેખરેખ અધિકારી તરીકે નિમણૂક કરી છે. આ નવનિર્ધારિત જોખમભર્યા વિસ્તારોમાં ન્યૂ કતારિયા, લાઈ બ્રિજ, બંગશ કોલોની, જિયાઉલ હક કોલોની, બોરિંગ રોડ, પીરવધાઈ બ્રિજ, ઢોક નાજૂ, ઢોક દલાલ, ઢોક હસૂ બ્રિજ, હજારા કોલોની, ઢોક રત્તા, ગ્વાલમંડી, ઢોક ઇલાહી બક્ષ, સાદિકાબાદ, જાવેદ કોલોની, નદીમ કોલોની, તાહલી મોહરી, જાન કોલોની, ટેંચ ભટ્ટા લાસ્ટ સ્ટોપ, બેનારસ કોલોની અને શેરોન કોલોનીનો સમાવેશ થાય છે.
રાવલપિંડીની નદીમ કોલોની, જાવેદ કોલોની અને ઢોક ઇલાહી બક્ષના અનેક રહેવાસીઓએ સ્થિતિ અંગે ગુસ્સો વ્યક્ત કર્યો છે. તેમનો દાવો છે કે છેલ્લા 50 વર્ષોથી તેમનો વિસ્તાર વારંવાર પૂરના અસર હેઠળ આવતો રહ્યો છે, પણ સરકાર હંમેશાં અવગણના જ કરતી રહી છે. તેમણે આરોપ મૂક્યો કે તાજેતરના પૂર દરમિયાન પણ કોઈ સરકારી અધિકારી મદદ માટે હાજર નહોતો અને આખો વિસ્તાર પાણીમાં ડૂબી ગયો હતો.