પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવવાનું બંધ કરે, તથ્યો બદલાશે નહીં: ભારત
નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં શાંતિ રક્ષા અભિયાનો પર ચર્ચા દરમિયાન પાકિસ્તાન દ્વારા જમ્મુ અને કાશ્મીરના ઉલ્લેખ કરવા મામલે ભારતે પાડોશી દેશ પર "જૂઠ" ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. તેમજ પાકિસ્તાનના વલણની ટીકા કરી હતી. રાજ્યસભાના સભ્ય અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે, "ભારતે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓનો જવાબ આપવાનો પોતાનો અધિકાર પસંદ કર્યો છે, જેણે ફરી એકવાર આ પ્રતિષ્ઠિત સંસ્થાને તેના એજન્ડાથી હટાવવાનો પ્રયાસ કર્યો છે."
તેમણે અહીં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની સ્પેશિયલ પોલિટિકલ એન્ડ ડિકોલોનાઇઝેશન (ફોર્થ કમિટી)માં શાંતિ રક્ષા કામગીરી પર ચર્ચા દરમિયાન આ ટિપ્પણી કરી હતી. સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરનો કેન્દ્રશાસિત પ્રદેશ "ભારતનો અભિન્ન ભાગ હતો, છે અને રહેશે." તેમણે કહ્યું, "જમ્મુ અને કાશ્મીરના લોકોએ તાજેતરમાં તેમના લોકતાંત્રિક અને ચૂંટણી અધિકારોનો ઉપયોગ કર્યો અને નવી સરકારને ચૂંટી છે. પાકિસ્તાને આવા નિવેદનો અને જુઠ્ઠાણાથી દૂર રહેવું જોઈએ કારણ કે તેનાથી તથ્યો બદલાશે નહીં.
સુધાંશુ ત્રિવેદીએ કહ્યું કે આ યુએન ફોરમના પ્રતિષ્ઠિત સભ્યોના આદરને કારણે, ભારત યુએન પ્રક્રિયાઓનો "દુરુપયોગ" કરવાના પાકિસ્તાનના કોઈપણ પ્રયાસનો જવાબ આપવાથી દૂર રહેશે. તેમણે ભારત તરફથી આ જોરદાર જવાબ આપ્યો જ્યારે પાકિસ્તાની પ્રતિનિધિએ ભારત અને પાકિસ્તાનમાં યુનાઈટેડ નેશન્સ મિલિટરી ઓબ્ઝર્વર ગ્રુપ (UNMOGIP) દ્વારા નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામની દેખરેખ રાખવાની વાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન વિવિધ મંચ ઉપર જમ્મુ-કાશ્મીરનો મુદ્દો ઉઠાવી રહ્યું છે, બીજી તરફ ભારત દ્વારા તેને જે તે મંચ ઉપર જ જડબાતોડ જવાબ આપવામાં આવી રહ્યો છે.