દોહા પર ઇઝરાઇલના હુમલા બાદ કતાર પહોંચ્યા પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ
દોહા : દોહા પર ઇઝરાઇલના તાજેતરના હુમલા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ કતારની રાજધાની દોહા પહોંચ્યા છે. એરપોર્ટ પર તેમને કતારના ઉપ વડાપ્રધાન દ્વારા આવકારવામાં આવ્યા હતા. બાદમાં શહબાઝ શરીફે કતારના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન તેમણે કતાર પ્રત્યે પાકિસ્તાનના સમર્થનની પુષ્ટિ કરી અને પ્રાદેશિક સ્થિરતા જાળવવા સહકાર આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો. શહબાઝ શરીફે ઇઝરાઇલના હુમલામાં મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ગાઝા મુદ્દે દોહાની મધ્યસ્થતાની ભૂમિકા પ્રશંસાવી અને ચેતવણી આપી કે ઇઝરાઇલની કાર્યવાહીનો હેતુ વિસ્તારના શાંતિપ્રયત્નોને નબળા પાડવાનો છે.
તેમણે “એક્સ” પર લખ્યું કે, “9 સપ્ટેમ્બરના દોહા પર ઇઝરાઇલના જઘન્ય હુમલા બાદ, આજે મેં મારા પ્રિય ભાઈ અમીર શેખ તમીમ બિન હમદ અલ થાની અને કતારના ભાઈચારાભર્યા લોકપ્રતિ પાકિસ્તાનની એકતા અને સમર્થન વ્યક્ત કરવા દોહાનો પ્રવાસ કર્યો.” શહબાઝ શરીફે વધુમાં જણાવ્યું કે પાકિસ્તાને કતારની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડિતતાના આ ભંગની કડક નિંદા કરી છે અને અમીરને ખાતરી આપી કે પાકિસ્તાન આ મુશ્કેલ સમયમાં કતાર સાથે ખભે ખભા મિલાવીને ઉભું રહેશે. શહબાઝ શરીફ સિવાય બુધવારે UAEના રાષ્ટ્રપતિ શેખ મહંમદ બિન ઝાયેદ અલ નાહયાન પણ દોહા ગયા હતા અને કતાર પ્રત્યે એકતા દર્શાવી હુમલાની નિંદા કરી હતી.
આ ઘટનાને લઈને વૈશ્વિક નેતાઓ અને સંસ્થાઓએ પણ કડક પ્રતિક્રિયા આપી છે. કતારે આ હુમલાને “કાયરાના હુમલો” ગણાવ્યો હતો. કતારના વડા પ્રધાન શેખ મહંમદ બિન અબ્દુલરહમાન અલ થાનીએ જણાવ્યું કે આ હુમલાથી ગાઝામાં *“બંધકો માટેની કોઈ પણ આશા સમાપ્ત થઈ ગઈ છે.” સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગૂટેરસે તેને સંપ્રભુતાનો ઘોર ભંગ ગણાવ્યો, જ્યારે સાઉદી અરેબિયા, તુર્કી, ઈરાન, જોર્ડન અને યુનાઇટેડ અરબ અમીરાતે કડક નિંદા કરી હતી. પોપ લિઓ XIIIએ પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી અને પરિસ્થિતિને અત્યંત ગંભીર ગણાવી.