ભારત સામેના હુમલાની યોજના પૂર્વ PM નવાઝ શરીફે બનાવ્યાનો પાકિસ્તાનના મંત્રીનો દાવો
નવી દિલ્હીઃ પહેલગામ આતંકવાદી હુમલા પછી, ભારતે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં પ્રવેશ કર્યો અને ઘણા આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો, ત્યારબાદ શરૂ થયેલા સંઘર્ષમાં પાકિસ્તાનને હારનો સામનો કરવો પડ્યો હતો. દરમિયાન, એક પાકિસ્તાની મંત્રીએ દાવો કર્યો છે કે ભારત સામેના હુમલાની યોજના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે બનાવી હતી. પાકિસ્તાનમાં હાલ પીએમ શહબાજે શરીફની સરકાર છે અને શહબાજ શરીફ અને નવાઝ શરીફ સગાભાઈ છે અને હાલ નવાઝ શરીફ બ્રિટેનમાં હોવાનું જાણવા મળે છે.
શાસક પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન) ના વરિષ્ઠ નેતા અને પંજાબ પ્રાંતના માહિતી પ્રધાન, આઝમા બુખારીએ બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "ભારત વિરુદ્ધ સમગ્ર અભિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું." તેમણે વધુમાં કહ્યું કે નવાઝ શરીફ એ, બી, સી, ડી પ્રકારના નેતા નથી, તેમનું કામ દૂર દૂર સુધી બોલે છે.
મંત્રી આઝમા બુખારીએ દાવો કર્યો હતો કે, "નવાઝ શરીફે જ પાકિસ્તાનને પરમાણુ શક્તિ બનાવ્યું હતું અને હવે તેમણે ભારત વિરુદ્ધ સમગ્ર અભિયાનની શરૂઆત કરી દીધી છે." નવાઝ શરીફ ત્રણ વખત પાકિસ્તાનના વડા પ્રધાન રહી ચૂક્યા છે. 1999ના કારગિલ યુદ્ધ દરમિયાન તેઓ પાકિસ્તાનના વડા પ્રધાન હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધરીને પાકિસ્તાનમાં ધમધમતા 9 જેટલા આતંકવાદી અડ્ડા ઉપર હુમલો કરીને 100થી વધારે આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. ભારતની કાર્યવાહી બાદ જ પાકિસ્તાને હુમલો કર્યો હતો. પાકિસ્તાન ઉપર ભારત ઉપર મિસાઈલ અને ડ્રોન વડે હુમલો કર્યો હતો. જો કે, ભારતીય સેનાએ કાર્યવાહી કરીને પાકિસ્તાનના તમામ હુમલાને નિષ્ફળ બનાવ્યાં હતા.