પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રીદીએ રચ્યો ઈતિહાસ, ત્રણેય ફોર્મેટમાં 100 વિકેટ લેનારો ખેલાડી બન્યો
પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. બંને વચ્ચે પ્રથમ T20 મેચ કિંગ્સમીડ ખાતે રમાઈ હતી. જેમાં દક્ષિણ આફ્રિકાએ પાકિસ્તાનને 11 રને હરાવ્યું હતું. પરંતુ આ મેચમાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ શાનદાર બોલિંગ કરી અને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરવામાં સફળ રહ્યો હતો. વાસ્તવમાં, શાહીન ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, ODI અને T20)માં 100 વિકેટ લેનારો પ્રથમ પાકિસ્તાની બોલર બની ગયો છે.
શાહીન આફ્રિદીએ 2018થી અત્યાર સુધીમાં 31 ટેસ્ટ મેચ રમી છે. આ 31 મેચોમાં તેણે 27.88ની એવરેજથી 116 વિકેટ લીધી છે. આ સિવાય શાહીન 2018થી અત્યાર સુધીમાં 56 ODI મેચ રમી ચૂક્યો છે. આ 56 મેચોમાં તેણે 23.13ની બોલિંગ એવરેજથી 112 વિકેટ ઝડપી છે. શાહીન આફ્રિદીએ 2018થી અત્યાર સુધી 74 T20 મેચ રમી છે. આ 74 T20 મેચોમાં તેણે 20.87ની શાનદાર એવરેજથી 100 વિકેટ લીધી છે.
શાહીન આફ્રિદી T20 ક્રિકેટમાં 100 વિકેટ લેનારો પાકિસ્તાનનો ત્રીજો બોલર બની ગયો છે. આ પહેલા આ સિદ્ધિ હારીસ રઉફ અને શાદાબ ખાને હાંસલ કરી હતી. શાહીને આ સિદ્ધિ 74 મેચમાં હાંસલ કરી હતી, જેનાથી તે આ સિદ્ધિ મેળવનાર પાકિસ્તાનનો બીજો સૌથી ઝડપી બોલર બન્યો હતો. હરિસ રઉફે 71 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. શાહીન આફ્રિદીએ વધુ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે ત્રણેય ફોર્મેટમાં સૌથી નાની ઉંમરમાં 100 વિકેટ પૂરી કરનાર વિશ્વનો પ્રથમ બોલર બની ગયો છે. આ મામલે તે ન્યૂઝીલેન્ડના ટિમ સાઉથી, બાંગ્લાદેશના શાકિબ અલ હસન અને શ્રીલંકાના લસિથ મલિંગા જેવા દિગ્ગજો સાથે જોડાઈ ગયો છે.