મુંબઈ હુમલા કેસના આરોપી તહવ્વુર રાણા સાથે સંબંધ હોવાનો પાકિસ્તાને કર્યો ઈન્કાર
મુંબઈ હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યો છે. NIA કોર્ટે તેને 18 દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. રાણાને ગઈકાલે એક ખાસ વિમાન દ્વારા અમેરિકાથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. રાણાને યુએસ માર્શલ્સ દ્વારા ભારતીય અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. દરમિયાન, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે પ્રત્યાર્પણની તસવીરો જાહેર કરી છે. જે તસવીરો સામે આવી છે તેમાં આતંકવાદી રાણાને બેડીઓથી બાંધેલો જોવા મળે છે.
કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટમાં યુએસ માર્શલ્સે પાકિસ્તાની-કેનેડિયન નાગરિક તહવ્વુર રાણાની કસ્ટડી ભારતીય વિદેશ મંત્રાલયના પ્રતિનિધિઓને સોંપી. જે બાદ બુધવારે રાત્રે ભારતીય વિમાને અમેરિકાથી ઉડાન ભરી હતી. વિમાને વચ્ચે વિરામ લીધો. જે બાદ તેઓ ગુરુવારે સાંજે 6 વાગ્યા પછી દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા. અજમલ કસાબ અને ઝબીઉદ્દીન અંસારી ઉર્ફે અબુ જુંદાલ પછી, મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં ભારતમાં કેસ ચલાવનાર રાણા ત્રીજો વ્યક્તિ હશે.
વકીલ પિયુષ સચદેવ કોર્ટમાં રાણાનો પક્ષ રજૂ કરશે
ગુરુવારે મોડી રાત્રે રાણાને જેલ વાન, સશસ્ત્ર સ્વાટ વાહન અને એમ્બ્યુલન્સ સહિતના કાફલામાં પટિયાલા હાઉસ કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. NIA તરફથી વરિષ્ઠ વકીલ દયાન કૃષ્ણન અને ખાસ સરકારી વકીલ નરેન્દ્ર માન હાજર રહ્યા હતા. કાર્યવાહી પહેલા, ખાસ અદાલતના ન્યાયાધીશે રાણાને પૂછ્યું કે શું તેમની પાસે કોઈ વકીલ છે? આના પર રાણાએ કહ્યું કે તેમની પાસે કોઈ વકીલ નથી. જે બાદ ન્યાયાધીશે તેમને જાણ કરી કે દિલ્હી કાનૂની સેવા સત્તામંડળ તરફથી તેમને વકીલ પૂરો પાડવામાં આવી રહ્યો છે. ત્યારબાદ તેમના પ્રતિનિધિત્વ માટે એડવોકેટ પિયુષ સચદેવાની નિમણૂક કરવામાં આવી.
NSG ના રક્ષણ હેઠળ લાવવામાં આવ્યા
એજન્સીએ જણાવ્યું હતું કે રાણાને NIA અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ (NSG) ટીમોની સુરક્ષા હેઠળ એક ખાસ ફ્લાઇટમાં લોસ એન્જલસથી દિલ્હી લાવવામાં આવ્યો હતો. આમાં વરિષ્ઠ અધિકારીઓ સામેલ હતા. એરપોર્ટ પર, NIA તપાસ ટીમે બધી જરૂરી કાનૂની ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી રાણાની ધરપકડ કરી અને તેની તબીબી તપાસ કરાવી.
મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ તહવ્વુર રાણાને ભારત લાવવામાં આવ્યા બાદ, પાકિસ્તાને ગુરુવારે કહ્યું કે તેનો રાણા સાથે કોઈ સંબંધ નથી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા શફકત અલી ખાને કહ્યું કે રાણા કેનેડિયન નાગરિક હતા અને તેમના દેશને તેમની સાથે કોઈ લેવાદેવા નથી. રાણાએ બે દાયકાથી વધુ સમયથી પોતાના પાકિસ્તાની દસ્તાવેજો રિન્યુ કરાવ્યા નથી.