એશિયા કપમાં ભારતથી હાર્યા બાદ પાકિસ્તાને ખેલાડીઓએ હાથ ન મિલાવવા મામલે ACCને ફરિયાદ કરી
એશિયા કપ 2025માં ભારત સામે કરારી હાર બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ફરી એકવાર રડવું શરૂ કરી દીધું છે. મેદાન પર ભારતે હરાવીને પાકિસ્તાનની કિરકિરિ કર્યા બાદ પીસીબીએ એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) પાસે ફરિયાદ દાખલ કરી છે. પીસીબીએ આક્ષેપ કર્યો છે કે ભારતીય ખેલાડીઓએ ન તો ટૉસ સમયે અને ન તો મેચ જીત્યા બાદ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યો. સાથે જ કોઈ વાતચીત કર્યા વિના સીધા જ ડ્રેસિંગ રૂમમાં પરત ગયા હતા. આ વર્તનને પીસીબીએ "સાંકેતિક બહિષ્કાર" ગણાવ્યો છે.
પીસીબીએ પોતાના નિવેદનમાં કહ્યું, “ટીમ મેનેજર નવીન ચીમાએ ભારતીય ખેલાડીઓના હાથ ન મિલાવવાના વર્તન પર કડક વિરોધ નોંધાવ્યો છે. આ વર્તન રમતની ભાવના વિરુદ્ધ અને અસંયમી છે. વિરોધ સ્વરૂપે અમે અમારા કેપ્ટનને પોસ્ટ-મેચ સમારોહમાં મોકલ્યો ન હતો.”
બીજી તરફ ભારતીય કપ્તાન સુર્યકુમાર યાદવે પોસ્ટ-મેચ પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય આખી ટીમનો હતો. તેમણે કહ્યું, “આ નિર્ણયનો હેતુ પહલગામ આતંકી હુમલાના શહીદો અને તેમના પરિવારજનો પ્રત્યે સમર્થન દર્શાવવાનો હતો. અમે અહીં માત્ર રમવા માટે આવ્યા હતા, અને પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો. કેટલીક બાબતો રમતની ભાવના કરતાં પણ ઉપર હોય છે. આ જીત અમે અમારા વિર જવાનો અને 'ઑપરેશન સિંદૂર'ને સમર્પિત કરીએ છીએ.”