પાકિસ્તાને ભારત માટે એરસ્પેસ બંધ કરતા વિદેશ જતી ફ્લાઈટ્સની ટિકિટ દરમાં વધારો
- વિદેશ જતી ફ્લાઈટસની ટિકિટ દરમાં સરેરાશ 2000નો વધારો
- અમદાવાદથી લંડન જતી ફલાઈટની ટિકિટના દર 64000એ પહોંચ્યા
- યુએસએ, યુરોપ જતી ફલાઈટ્સને અરબ સાગર પરથી લાંબો રૂટ લેવો પડશે
અમદાવાદઃ કાશમીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે. ભારતે સિમલા કરાર રદ કરીને સિન્ધુ નદીના પાણી રોકવા સહિતના પગલાંની જાહેરાત કરતા પાકિસ્તાને પણ ભારત માટે એરસ્પેસ બંધ કરી દીધી છે. તેથી વિદેશ જતી-આવતી ફ્લાઈટ્સને અરબ સાગર પર લાંબો રૂટ લેવાની ફરજ પડી રહી છે, તેના લીધે ફ્લાઈટની ટિકિટના ભાવ આસમાને પહોંચ્યા છે. અમદાવાદથી ઓપરેટ થતી ઇન્ટરનેશનલ ફ્લાઇટ જેમાં અમદાવાદથી સિંગાપોર જતી ફ્લાઇટનો ભાવ 9000, બેંગકોક 14800, કુઆલાલુમ્પુર 13400 છે. એ સિવાય પશ્ચિમ તરફ જતી ફલાઇટો એટલે કે, અમદાવાદથી લંડન જતી ફ્લાઇટની ટિકિટનો ભાવ 64000 અને દુબઇની ફ્લાઇટનો ભાવ 16300 થયો છે. જેમાં લગભગ 2000 આસપાસનો વધારો નોંધાયો છે.
કાશ્મીરના પહેલગામના હુમલા બાદ પાકિસ્તાને ભારતીય વિમાન કંપનીઓ માટે પોતાની એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય લીધો છે, જેના કારણે એર ઇન્ડિયા, ઈન્ડિગો સિવાયની ઘણી એરલાઈન્સને મોટો ફટકો પડ્યો છે. પાકિસ્તાનના આ નિર્ણયથી ઉત્તર ભારતનાં અન્ય ક્ષેત્રો જેવા કે, ઉત્તર અમેરિકા, યુકે, યુરોપ અને મધ્ય પૂર્વ તરફ જતી ફ્લાઇટ હવે અરબ સાગર પરથી લાંબો રૂટ લેશે. જેના કારણે ફ્લાઇટનો સમય બેથી અઢી કલાક લંબાશે. ભારતીય હવાઈ માટે પાકિસ્તાની એરસ્પેસ બંધ થવાથી ખર્ચો પણ વધશે અને ફ્યુઅલ પણ વધુ વપરાશે. સાથે ક્રૂના કામના કલાકો પણ વધશે, જેની સીધી અસર પ્રવાસીઓ પર પડશે. આ સિવાય પશ્ચિમ તરફ જતી લગભગ 400થી 500 ફ્લાઇટ પણ પ્રભાવિત થવાની શક્યતા છે.
સૂત્રોના કહેવા મુજબ ડોમેસ્ટિક શ્રેણીમાં શ્રીનગરથી અમદાવાદ આવતી ફ્લાઈટના ભાવમાં વધારો થયો છે. ટિકિટના ભાવ રૂપિયા 15 હજાર પાર પહોંચ્યા છે. અગાઉ 2થી 3 હજારમાં ટિકિટ મળતી હતી, જેની અત્યારે કિંમત 15 હજાર પહોંચી છે. અનેક પ્રવાસીઓ દ્વારા વતન જવા પ્રયાસ હાથ ધર્યો છે. હવાઈ મુસાફરીના ભાવમાં ધરખમ વધારો થયો છે. એક તરફ જ્યાં પહેલગામ આતંકી હુમલા બાદ લોકોમાં ભય છે. જમ્મુ-કાશ્મીર ફરવા ગયેલા લોકો પરત પોતાના વતન પહોંચવાના પ્રયાસ કરી રહ્યા છે, તેવામાં ફ્લાઈટના ભાવ આસમાને પહોંચી જતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું. કે, પર્યટક સ્થળોએ હરવા-ફરવામાં ગુજરાતીઓ સૌથી વધુ જોવા મળતા હોય છે. જેમાં ઉનાળાના વેકેશનમાં કાશ્મીર, સિમલા સહિતના હીલ સ્ટેશન પર તેમજ ચારધામની યાત્રા માટે પણ સૌથી વધુ ગુજરાતીઓ જતા હોય છે. કાશ્મીરમાં આતંકી હુમલા બાદ ટુર ઓપરેટરોને મોટો ફટકો પડ્યો છે. બુકિંગ કેન્સલ થવા લાગ્યા છે. ટૂર અને ટ્રાવેલ્સ ઓપરેટરોના કહેવા મુજબ આ સિઝનમાં મોટું નુકસાન થયું છે. ઘણી હોટલવાળાઓએ હોટલને એકદમ સુંદર રીતે સજાવી હતી. તેઓને એમ હતું કે સિઝન આવે છે, પરંતુ તેઓને પણ ઘણું નુકસાન વેઠવું પડ્યું છે.