પાકિસ્તાન CDS આસિમ મુનીર ભારત સાથે જંગ કરવા માંગે છેઃ ઈમરાન ખાનની બહેનનો દાવો
પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની બહેન અલીમા ખાને દેશના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ આસિમ મુનીર પર કટ્ટરપંથનો ગંભીર આરોપ લગાવ્યો છે. અલીમા ખાનના જણાવ્યા અનુસાર, આસિમ મુનીર કટ્ટર ઇસ્લામવાદી અને ઇસ્લામિક રૂઢિવાદી છે, જેને કારણે તેઓ ભારત સાથે યુદ્ધ કરવા તત્પર રહે છે. જ્યારે ઇમરાન ખાન હંમેશા ભારત સાથે મિત્રતા અને શાંતિપૂર્ણ સંબંધો સ્થાપિત કરવા પ્રયત્નશીલ રહ્યા છે. અલીમા એક ટીવીના શોમાં હાજર રહ્યાં હતા. ત્યારે તેમને પૂછવામાં આવ્યું કે મે મહિનામાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા સૈન્ય સંઘર્ષની પાછળ શું કારણ હતું? તેના જવાબમાં તેમણે પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.
અલીમાએ જણાવ્યું હતું કે, આસિમ મુનીર કટ્ટર ઇસ્લામવાદી છે. તેવા લોકોને ગેર-મુસ્લિમો સાથે જંગ માટે પ્રેરણા આપે છે. જ્યારે ઇમરાન ખાન ઉદાર વિચારધારા ધરાવે છે અને ભારત તથા BJP સાથે પણ સકારાત્મક સંબંધો બનાવવા ઇચ્છે છે. તેમણે પશ્ચિમી દેશોને અપીલ કરી કે તેઓ ઇમરાન ખાનની જેલમાંથી મુક્તિ માટે દબાણ કરે.
22 એપ્રિલના પહલગામ આતંકી હુમલા બાદ ભારતે 7 મેના રોજ ઓપરેશન સિંદૂર ચલાવી પાકિસ્તાનમાં રહેલા આતંકી સંગઠનોના ઠેકાણાઓનો નાશ કર્યો હતો. આ જવાબી કાર્યવાહી પછી પાકિસ્તાન દ્વારા ભારતીય શહેરોમાં સૈન્ય સ્થાપનોને નિશાન બનાવવાનો પ્રયાસ થયો, પરંતુ ભારતે તમામ પ્રયાસોને નિષ્ફળ બનાવ્યા હતા. 7 થી 9 મે દરમિયાન બંને દેશો વચ્ચે ગંભીર સૈન્ય તણાવ સર્જાયો હતો, અને અંતે 10 મેના રોજ બંને દેશો સીઝફાયર પર રાજી થયા હતા.
ઇમરાન ખાનને ઓગસ્ટ 2023થી રાવલપિંડીની અડીયાલા જેલમાં રાખવામાં આવ્યા છે થોડા દિવસો પહેલા તેમના મોતની અફવાઓ ફેલાઈ હતી, પરંતુ 2 ડિસેમ્બરે બહેન ઉજમા ખાને તેમને મળ્યા બાદ જણાવ્યું કે તેઓ શારીરિક રીતે ઠીક છે, પરંતુ માનસિક રીતે ભારે ત્રાસ આપવામાં આવી રહ્યો છે.