પાકિસ્તાન પર પરમાણુ શસ્ત્રોના નિયંત્રણ અને જવાબદારી પર વિશ્વાસ કરી શકાય નહીં : ભારત
નવી દિલ્હીઃ પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે અમેરિકાની મુલાકાત દરમિયાન ભારત વિશે ટિપ્પણી કરી હતી. હવે, વિદેશ મંત્રાલય (MEA) એ પાકિસ્તાની આર્મી ચીફ દ્વારા ભારત વિશે કરવામાં આવેલી કથિત ટિપ્પણીઓ પર તીવ્ર પ્રતિક્રિયા આપી છે અને તેને પાકિસ્તાન દ્વારા "પરમાણુ તલવારો લહેરાવતા" નું ઉદાહરણ ગણાવ્યું છે. સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, પરમાણુ શસ્ત્રોની ધમકી આપવી એ પાકિસ્તાનની જૂની આદત છે. આંતરરાષ્ટ્રીય સમુદાય પોતે જોઈ શકે છે કે આવા નિવેદનો કેટલા બેજવાબદાર છે. આ નિવેદનો પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી શંકાને પણ મજબૂત બનાવે છે કે જે દેશની સેના આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલી છે તેના પર પરમાણુ શસ્ત્રોના નિયંત્રણ અને જવાબદારી પર વિશ્વાસ કરી શકાય નહીં.
નિવેદનમાં અમેરિકાનો ઉલ્લેખ કરતા કહેવામાં આવ્યું હતું કે, એ પણ દુઃખદ છે કે આવા નિવેદનો એવા દેશની ધરતી પરથી આપવામાં આવી રહ્યા છે જેની સાથે ભારતના સારા સંબંધો છે. ભારતે પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, તે પરમાણુ બ્લેકમેલને વશ નહીં થાય. અમે અમારી રાષ્ટ્રીય સુરક્ષાને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લેવાનું ચાલુ રાખીશું. પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે અમેરિકાના ફ્લોરિડાથી ભારતને પરમાણુ હુમલાની ધમકી આપી હતી. ફ્લોરિડામાં વિદેશી પાકિસ્તાનીઓ સાથે વાત કરતી વખતે મુનીરે કહ્યું હતું કે, પાકિસ્તાન એક પરમાણુ સંપન્ન રાષ્ટ્ર છે. જો કોઈ પાકિસ્તાનને ડૂબાડવાનો પ્રયાસ કરશે તો અમે અડધી દુનિયાને પોતાની સાથે લઈ જઈશું. આ સાથે પાકિસ્તાનના સેના પ્રમુખે સિંધુ નદીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારત સિંધુ નદી પર બંધ બનાવવા જઈ રહ્યું છે. પહેલા બંધ બનવા દો, પછી અમે તેને મિસાઈલ હુમલાથી તોડી નાખીશું.
સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે ફ્લોરિડાના ટામ્પામાં પાકિસ્તાની વિદેશી સમુદાયને સંબોધિત કરતી વખતે પાકિસ્તાનના સેના પ્રમુખની ધમકીએ સ્પષ્ટ કર્યું હતું કે પડોશી દેશ એક બેજવાબદાર પરમાણુ રાષ્ટ્ર છે. સૂત્રોએ મુનીરની ટિપ્પણીઓને પાકિસ્તાનમાં લોકશાહીના અભાવનું લક્ષણ ગણાવ્યું હતું અને નિર્દેશ કર્યો હતો કે દેશની બાબતોમાં સેનાની મુખ્ય ભૂમિકા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે જ્યારે અમેરિકા તેને ટેકો આપે છે ત્યારે પાકિસ્તાન સેનાનું આક્રમક વલણ ઘણીવાર સામે આવે છે.