પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ હુમલો કર્યો હતો, UNHRCમાં કાશ્મીરી કાર્યકરે પાકિસ્તાનની પોલ ખોલી
જિનેવાઃ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદ (UNHRC)ના 60મા સત્રમાં કાશ્મીરી કાર્યકર જાવેદ અહમદ બેગે પહલગામ આતંકી હુમલા માટે પાકિસ્તાનની આકરા પ્રહાર કર્યાં હતા. આ પ્રસંગે તેમણે પાકિસ્તાનની આતંકવાદમાં સંલિપ્તતા જગજાહેર કરી હતી. જિનેવાના પ્રખ્યાત બ્રોકન ચેર સ્મારક પર ‘યુનાઇટેડ ફોર પીસ’ વિષય પર વિશેષ ફોટો પ્રદર્શન પણ યોજાયું હતું, જેમાં ભારતને સૌહાર્દ અને ભાઈચારાની ભૂમિ તરીકે રજૂ કરવામાં આવ્યું.
જાવેદ બેગે પોતાના સંબોધનમાં જણાવ્યું કે તાજેતરમાં પહલગામમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષોની હત્યા કરવામાં આવી હતી, જેમાં હિંદુ, ખ્રિસ્તી અને બૌદ્ધ પર્યટકો સાથે એક સ્થાનિક મુસ્લિમ પણ શહીદ થયો હતો. આ હુમલો પાકિસ્તાન સમર્થિત આતંકીઓએ જ અંજામ આપ્યો હતો. તેમણે યાદ અપાવ્યું કે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પહેલેથી જ લશ્કર-એ-તૈયબાને આતંકી સંગઠન જાહેર કરી ચૂક્યું છે અને પાકિસ્તાનને આવા સંગઠનોને શરણ આપવા અટકાવવાની ચેતવણી આપી છે.
બેગે આક્ષેપ કર્યો કે પાકિસ્તાન સતત આતંકી સંગઠનોને આશરો અને નાણાકીય મદદ પૂરુ પાડી રહ્યું છે, જેના કારણે ભારતમાં હિંસા અને ભયનું વાતાવરણ સર્જાય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સીમાપાર આતંકવાદ માત્ર ભારત-પાકિસ્તાનનો જ મુદ્દો નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે ખતરો છે, જેને લઈ તાત્કાલિક કાર્યવાહી કરવી જરૂરી છે.