પાકિસ્તાની સેનાનું શાહીન-૩ મિસાઈલ પરીક્ષણ નિષ્ફળ, બલૂચ નેતાએ કર્યો દાવો
પાકિસ્તાની સેનાએ તાજેતરમાં જ શાહીન-૩ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું. પરંતુ આ પરીક્ષણમાં ખરાબ રીતે નિષ્ફળ ગયું હોવાનું જાણવા મળે છે. આ મિસાઈલ પરમાણુ શસ્ત્રો વહન કરવામાં સક્ષમ છે. આ મિસાઈલ બલૂચિસ્તાનના ડેરા ગાઝી ખાન વિસ્તારમાંથી છોડવામાં આવી હતી, જે નાગરિક વિસ્તારોની નજીક પડી હતી. તેમ બલૂચ નેતા મીર યાર બલોચે જણાવ્યું હતું.
બલૂચ બળવાખોરો બલૂચિસ્તાનને પાકિસ્તાનનો ભાગ માનતા નથી અને તેના પર પાકિસ્તાનના કબજાનો વિરોધ કરે છે. બલૂચ નેતા મીર યાર બલોચે X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, બલૂચ રિપબ્લિક પાકિસ્તાનના વારંવાર નિષ્ફળ મિસાઈલ પરીક્ષણોની સખત નિંદા કરે છે. પાકિસ્તાન સતત બલૂચિસ્તાનની પ્રાદેશિક અખંડિતતાનું ઉલ્લંઘન કરી રહ્યું છે અને સામાન્ય નાગરિકોના જીવનને જોખમમાં મૂકી રહ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનની કબજા હેઠળની સેનાએ 22 જુલાઈના રોજ બલૂચિસ્તાન રિપબ્લિકમાં નિષ્ફળ મિસાઈલ પરીક્ષણ કર્યું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, મિસાઈલ બલૂચિસ્તાનના ડેરા ગાઝી ખાન વિસ્તારમાંથી છોડવામાં આવી હતી, જે નાગરિક વિસ્તારોની નજીક લૂપ સહરાની લેવી સ્ટેશનથી માત્ર 500 મીટર ઉત્તરમાં પડી હતી. જો આ મિસાઈલ સહેજ પણ ભટકાઈ હોત, તો ભારે જાનહાનિ અને સંપત્તિને મોટું નુકસાન થઈ શક્યું હોત.
તેમણે કહ્યું કે, આ કોઈ અલગ કેસ નથી. પાકિસ્તાની સેના લાંબા સમયથી મિસાઇલ પરીક્ષણને બહાનું બનાવીને ડેરા બુગતી, કહાન અને આસપાસના વિસ્તારો સહિત વ્યૂહાત્મક વિસ્તારોમાંથી બલુચ લોકોને બળજબરીથી દૂર કરી રહી છે. સ્થાનિક લોકોએ ધમકીઓ અને ધાકધમકી આપવાની ઘટનાઓ નોંધી છે, જે ખૂબ જ ચિંતાજનક પેટર્ન દર્શાવે છે. સરકારી સ્તરે બળજબરીથી વિસ્થાપનની નીતિ અપનાવવામાં આવી રહી છે, જેથી સંસાધનોના શોષણ માટે ખુલ્લો રસ્તો મળી શકે.
મીર યાર બલોચે કહ્યું કે, તાજેતરના વર્ષોમાં, પાકિસ્તાને બલુચિસ્તાનનું વધુ લશ્કરીકરણ કર્યું છે. વિદેશી દળો સાથે મળીને, તેણે આ વિસ્તારને બેલિસ્ટિક મિસાઇલો અને અન્ય આધુનિક શસ્ત્રોના પરીક્ષણ સ્થળમાં ફેરવી દીધો છે. એ યાદ રાખવું અગત્યનું છે કે આવું પહેલીવાર બન્યું નથી. ઓક્ટોબર 2023 માં, નિષ્ફળ મિસાઇલ પરીક્ષણ કરવામાં આવ્યો હતો, જેમાં પંજાબથી છોડવામાં આવેલી એક મિસાઇલ ડેરા બુગતીની ખેતીલાયક જમીનમાં પડી હતી, જે વસ્તીવાળા વિસ્તારોની ખૂબ નજીક હતી.
તેમણે કહ્યું, 28 મે 1998 ના રોજ, પાકિસ્તાને સ્થાનિક લોકોની સંમતિ વિના કબજા હેઠળના બલુચિસ્તાનના ચગાઈ જિલ્લામાં છ પરમાણુ પરીક્ષણો કર્યા હતા. દાયકાઓ પછી પણ, આ વિસ્તાર ખતરનાક પરમાણુ કિરણોત્સર્ગથી પ્રભાવિત છે, જેના કારણે સ્થાનિક બલૂચ લોકોમાં કેન્સર, ક્રોનિક ત્વચા રોગો અને અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ હજુ પણ જોવા મળે છે. તેમણે આગળ લખ્યું, અમે સંયુક્ત રાષ્ટ્ર, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અને સંબંધિત આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોને અપીલ કરીએ છીએ કે તેઓ પાકિસ્તાનને શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ મૂકે; તેના બેલિસ્ટિક મિસાઇલ અને પરમાણુ કાર્યક્રમો પર કડક પ્રતિબંધો લાદે; બલૂચિસ્તાનમાં નાગરિકો અને સાર્વભૌમત્વ પર વારંવાર થતા હુમલાઓની તપાસ કરે; મિસાઇલ પરીક્ષણો અને હવાઈ દળના બોમ્બ ધડાકાના ડરથી બલૂચ વસ્તીના બળજબરીથી વિસ્થાપન પર નજર રાખે.