પાકિસ્તાન સેનાના અધિકારીએ પાણી મામલે આતંકી હાફિઝ સઈદની ભાષામાં ભારતને આપી ધમકી
નવી દિલ્હીઃ પાકિસ્તાનની સેના પર સતત આતંકવાદી સંગઠનોને પોષવાનો આરોપ મૂકવામાં આવે છે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ ભારત વિરુદ્ધ ઝેર ઓકતા અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદની ભાષા બોલતા જોવા મળે છે. આ વીડિયો પાકિસ્તાની સેનાના એક ટોચના અધિકારીનો છે, જે એક કાર્યક્રમ દરમિયાન એ જ ભાષા અને શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છે જે આતંકવાદી હાફિઝ સઈદે ભૂતકાળમાં ઉપયોગ કર્યો છે. એવું લાગે છે કે સ્ક્રિપ્ટ એક જ છે, ફક્ત વક્તાઓ અલગ છે. આ વીડિયો પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીનો છે, જેઓ પાકિસ્તાનની એક યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું અને કહ્યું કે 'જો તમે અમારું પાણી રોકશો તો અમે તમારા શ્વાસ રોકી દઈશું.'
પહેલગામ હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હાથ ધરીને અનેક આતંકવાદીઓને ઠાર માર્યાં હતા. પહેલગામ હુમલા બાદ ભારત સરકારે આકરી કાર્યવાહી કરી હતી. તેમજ સિંધુ જળ સંધિ સસ્પેન્ડ કરી હતી. આ ઉપરાંત પાકિસ્તાની નાગરિકોને આપેલા તમામ વિઝા કરીને તેમને ભારત છોડવાનો નિર્દેશ કર્યો હતો. આ ઉપરાંત ડિજીટલ સ્ટાઈક કરીને સોશિયલ મીડિયાના અનેક એકાઉન્ટસ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.