પાકિસ્તાન આર્મી ચીફ અસીમ મુનીરે કાશ્મીરનો રાગ આલોપ્યો, પાકિસ્તાનની નસ ગણાવ્યું
નવી દિલ્હીઃ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ફરી એકવાર ઝેર ઓક્યું છે. એક કાર્યક્રમમાં બોલતા, તેમણે કાશ્મીરને પાકિસ્તાનની ગળાની નસ ગણાવી છે. અસીમ મુનીર અહીં જ અટક્યા નહીં, તેમણે દાવો કર્યો કે કોઈ પણ શક્તિ કાશ્મીરને પાકિસ્તાનથી અલગ કરી શકતી નથી. તેમણે કાશ્મીરીઓને પાકિસ્તાન સેનાના સમર્થનનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. દરમિયાન, જનરલ મુનીરે ગાઝા પટ્ટીને પાકિસ્તાનીઓનું હૃદય પણ ગણાવ્યું હતું.
ઇસ્લામાબાદમાં ઓવરસીઝ પાકિસ્તાની કોન્ફરન્સમાં બોલતા, જનરલ મુનીરે કાશ્મીરને પાકિસ્તાનની "ગળાની નસ" ગણાવી હતી. તેમણે પેલેસ્ટિનિયનો સાથે એકતા વ્યક્ત કરી અને કહ્યું કે પાકિસ્તાનીઓના હૃદય ગાઝાના લોકો સાથે ધડકે છે. આ સમય દરમિયાન, તેમણે બલુચિસ્તાનમાં મોટા પાયે થયેલા BLA ના હુમલાઓ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાનના દુશ્મનો એ વિચારવામાં ખોટા હતા કે મુઠ્ઠીભર આતંકવાદીઓ દેશનું ભાગ્ય નક્કી કરી શકે છે.
તેમણે કહ્યું, 'આતંકવાદીઓની 10 પેઢીઓ પણ બલુચિસ્તાન કે પાકિસ્તાનને નુકસાન પહોંચાડી શકે નહીં.' બલુચિસ્તાન માત્ર દેશના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ નથી પણ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક પણ છે. પાકિસ્તાનીઓની પ્રશંસા કરતા આસીમ મુનીરે કહ્યું કે હું તમને ખાતરી આપવા માંગુ છું કે તમારી સાથે અમારો સંબંધ વધુ મજબૂત છે.
વિદેશી સમુદાય સાથે વાત કરતા, આસીમ મુનીરે કહ્યું કે જે મૂલ્યો અને દ્રષ્ટિકોણ માટે દેશની સ્થાપના કરવામાં આવી હતી તેને સાચવીને આગળ ધપાવવો જોઈએ. તેમણે કહ્યું કે અલ્લાહે પાકિસ્તાનને વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનોથી ભરપૂર આશીર્વાદ આપ્યા છે અને નાગરિકોએ તેના માટે આભારી રહેવું જોઈએ. આ દરમિયાન તેમણે ચમીકી આપી હતી કે જે કોઈ પણ પાકિસ્તાનની પ્રગતિના માર્ગમાં અવરોધ ઉભો કરશે તેને દૂર કરવામાં આવશે.