ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાને ISI ચીફ અસીમ મલિકને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નિયુક્ત કર્યાં
ભારત સાથે વધતા તણાવ વચ્ચે, પાકિસ્તાને ISI વડા લેફ્ટનન્ટ જનરલ મુહમ્મદ અસીમ મલિકને નવા રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) તરીકે નિયુક્ત કર્યા છે. મલિકને ઓક્ટોબર 2024 માં ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (ISI) ના ડાયરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મંગળવારે 'કેબિનેટ ડિવિઝન' દ્વારા જારી કરાયેલા એક નોટિફિકેશન અનુસાર, જનરલ મલિકને ઔપચારિક રીતે NSA તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો છે. "લેફ્ટનન્ટ જનરલ મુહમ્મદ અસીમ મલિક એચઆઈ(એમ), ડીજી(આઈ), તાત્કાલિક અસરથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકેનો વધારાનો હવાલો સંભાળશે." તેઓ દેશના 10મા NSA છે પરંતુ આ પહેલી વાર છે જ્યારે કોઈ વર્તમાન ISI વડાને એક સાથે બે મુખ્ય પદો સોંપવામાં આવ્યા છે.
જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત સાથે વધી રહેલા તણાવ વચ્ચે આ નિમણૂક કરવામાં આવી છે. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) સરકારને સત્તા પરથી દૂર કરવામાં આવી ત્યારથી પાકિસ્તાન NSAનું પદ એપ્રિલ 2022 થી ખાલી હતું. તે સમયે ડૉ. મોઈદ યુસુફ NSA તરીકે સેવા આપી રહ્યા હતા.