કાબુલમાં પાકિસ્તાનની એરસ્ટ્રાઈક, તાબિબાનના મુખ્ય નેતા નૂર વલી મહસૂદના મોતની આશંકા
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં પાકિસ્તાન દ્વારા એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી. આ એરસ્ટ્રાઈકમાં તાલિબાનના મુખ્ય નેતા નૂર વલી મહસૂદના મોત થયાનું ચર્ચાઈ રહ્યું છે. નૂર વલી તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP)ના ચીફ હતા, જેને પાકિસ્તાન લાંબા સમયથી આતંકવાદી સંગઠન તરીકે જાહેર કરે છે. નૂરનું નામ પાકિસ્તાનની હિટલિસ્ટમાં વર્ષોથી સામેલ હતું.
આ એરસ્ટ્રાઈકમાં પાકિસ્તાન ઉપરાંત અમેરિકાની પણ મહત્વપૂર્ણ ભૂમિકા હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાબુલ પર હુમલો કરતા પહેલાં પાકિસ્તાને અમેરિકા પાસેથી મંજૂરી મેળવી હતી. અમેરિકા પહેલેથી જ નૂર વલીને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરી ચૂક્યું હતું અને તેના માથા પર 50 લાખ ડોલરનું ઇનામ જાહેર કર્યું હતું. મુલ્લા ફઝલુલ્લાહના મોત બાદ 2018માં મુફ્તી નૂર વલી મહસૂદે TTPની કમાન સંભાળી હતી. તે સમય દરમિયાન અફઘાનિસ્તાન પર અમેરિકાનો કબ્જો હતો. તહરીક-એ-તાલિબાને તાલિબાન સાથે મળીને અમેરિકી સત્તાને હચમચાવી દીધી હતી, જેના પરિણામે અમેરિકાને અફઘાનિસ્તાનમાંથી બહાર નીકળવું પડ્યું હતું. નૂરના નેતૃત્વ દરમિયાન TTPએ પાકિસ્તાનમાં અનેક આતંકી હુમલા કર્યા હતા. માત્ર આ વર્ષે જ 700થી વધુ હુમલાઓમાં 270થી વધુ પાકિસ્તાની સૈનિકોના મોત થયાનું ચર્ચાય રહ્યું છે.
નૂર વલી મહસૂદે નોબેલ વિજેતા મલાલા યુસુફઝઈ પર થયેલા હુમલાનો આદેશ આપ્યો હતો, જેના પગલે મલાલા પર તાલિબાનના આતંકીઓએ ગોળીબાર કર્યો હતો. આ ઉપરાંત, નૂર તે પહેલો તાલિબાન આતંકી હતો જેણે પાકિસ્તાનની ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભૂટ્ટોની હત્યા અંગે અનેક ખુલાસા કર્યા હતા. તેણે પ્રથમવાર જાહેરમાં સ્વીકાર્યું હતું કે, બેનઝીરની હત્યામાં તાલિબાનના આતંકીઓની ભૂમિકા હતી. પાકિસ્તાનની એરસ્ટ્રાઈકમાં કુલ 12 લોકોના મોત થયાનું કહેવાય છે. તાલિબાને કાબુલ પર થયેલા આ હુમલાને અફઘાનિસ્તાનની સંપ્રભુતાનો ભંગ ગણાવ્યો છે. હવે વિશ્વની નજર તાલિબાનની પ્રતિક્રિયા પર છે. તાલિબાન પહેલાથી જ પાકિસ્તાનને ચેતવણી આપી ચૂક્યું છે કે તેના ક્ષેત્રમાં ઘુસણખોરીના ગંભીર પરિણામો થઈ શકે છે. કાબુલ પરના આ હુમલા બાદ એવું માનવામાં આવી રહ્યું છે કે તાલિબાન પાકિસ્તાન સામે મોટા સ્તરે યુદ્ધ શરૂ કરી શકે છે.