યુએન બેઠકમાં પાકિસ્તાનની ફરી બેઇજ્જતી, ‘ટેરર સ્પોન્સર’ કહીને લગાવવામાં આવ્યો આરોપ
ન્યૂયોર્ક : પાકિસ્તાન વારંવાર ભારત વિરુદ્ધ આતંકી કાવતરા રચે છે અને અનેક વખત બેનકાબ થવા છતાં પોતાની હરકતોમાંથી સુધરતું નથી. તાજેતરમાં પાકિસ્તાનને ફરી એક વખત આંતરરાષ્ટ્રીય મંચ પર શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. યુએન વોચના ડિરેક્ટર હિલેલ ન્યૂઅરે સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદની બેઠકમાં પાકિસ્તાનને આકરા શબ્દોથી આડો હાથ લીધું હતું.
યુએનની બેઠક દરમિયાન ઇઝરાયલના તાજા હુમલાઓ પર ચર્ચા ચાલી રહી હતી. કતારમાં હમાસ નેતાઓ પર થયેલા હુમલાની પણ ચર્ચા થઈ હતી. ઈરાન, લિબિયા અને અલ્જીરિયા જેવા દેશોએ ઇઝરાયલની નિંદા કરી હતી. આ દરમિયાન હિલેલ ન્યૂઅરે કતાર પર આતંકવાદીઓને આશરો આપવાનો આરોપ મૂક્યો હતો. ત્યારે પાકિસ્તાન તરફથી તેમને ટોકવામાં આવ્યા હતા. હિલેલ થોડા સેકન્ડ માટે અટક્યા, પરંતુ તેમનો સમય પૂરો થવા આવ્યો હતો. તેમ છતાં તેમને ફરી બોલવાનો અવસર મળ્યો. હિલેલ ન્યૂઅરને ફરી બોલવાનો અવસર મળ્યો ત્યારે તેમનો પાસે ફક્ત 4 સેકન્ડ જ બચ્યા હતા. આ ઓછા સમયમાં તેમણે પાકિસ્તાનની બેઇજ્જતી કરતા કહ્યું હતું કે, “મિસ્ટર પ્રેસિડન્ટ, પાકિસ્તાન એક બીજું સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરર છે.”
પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક વખત અપમાનનો સામનો કરવો પડ્યો છે, છતાં તે આતંકીઓને આશરો આપે છે. પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે “ઓપરેશન સિંદૂર” ચલાવી પાકને કડક જવાબ આપ્યો હતો. ભારતીય સેનાએ આ અભિયાન દરમિયાન નવ આતંકી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, જેમાં પાકિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર વિસ્તારમાં 100થી વધુ આતંકવાદી માર્યા ગયા હતા. પાકિસ્તાની સેનાના અનેક અધિકારીઓ આતંકીઓના જનાઝામાં હાજર રહ્યા હતા.